Vadodara

આસોજમાં 12 ફૂટના મગરને પકડવા એક કલાક રેસ્ક્યુ ઓપરેશન

રાતના અંધકારમાં ટોર્ચ-મોબાઇલની લાઇટના સહારે મહાકાય મગરને પાંજરે પૂરાયો

(પ્રતિનિધિ) વડોદરા, તા. 12

વડોદરા શહેર નજીક આવેલા આસોજ ગામમાં 12 ફૂટ લાંબો મહાકાય મગર આવી પહોંચતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. મગરને રેસ્ક્યુ કરવા માટે વન વિભાગની ટીમે લગભગ એક કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. અંતે સ્થાનિક યુવાનોની મદદથી મગરને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો હતો.

મગર દેખાયાની જાણ થતાં જ વન વિભાગના નીતિન પટેલ અને લાલુ નિઝામાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાતનો સમય હોવાથી ટોર્ચ તેમજ મોબાઇલ ફોનની બેટરીના અજવાળે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મહાકાય મગરને પકડવાની કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટનાસ્થળે એકત્રિત થયા હતા.

વિશ્વામિત્રી નદીમાં છોડાશે, નદીકાંઠે સાવચેતીની અપીલ

વન વિભાગના જણાવ્યા મુજબ, આસોજ ગામમાંથી રેસ્ક્યુ કરાયેલા મગરને સહીસલામત રીતે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવશે. આસોજ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મગર જોવા મળવાની ઘટનાઓ વધી રહી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

મગરની અવરજવરને પગલે નદીકાંઠે રહેતા લોકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને નદી કે પાણીના સ્ત્રોત નજીક જતા સમયે ખાસ સાવચેતી રાખવા અને મગર દેખાય તો તેની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top