Vadodara

બસના પાછળના વ્હીલ નીચે બાઇકચાલકનો પગ કચડાયો

એપીએમસી માર્કેટથી સ્ટેશન તરફ જતી બસ સાથે અકસ્માત, ગંભીર ઈજા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 12
વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વચ્ચે એપીએમસી માર્કેટ તરફથી સ્ટેશન તરફ આવી રહેલી સીટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત દરમિયાન બાઇકચાલક બસના પાછળના વ્હીલની અડફેટે આવી જતાં તેનો પગ કચડાઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાઇકચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, 112 ઇમરજન્સી સેવા અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને પગલે રસ્તા પર અડધા કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


બસચાલક મોબાઇલ પર વાત કરતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે બસમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ હતી અને બસચાલક મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. સ્થાનિકોએ જો આક્ષેપ સાચો હોય તો બેદરકારી બદલ બસચાલક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અકસ્મતમાં બસ રસ્તાની વચ્ચે જ ઊભી રહી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સ્થાનિકો અને વાહનચાલકોએ અકસ્માતગ્રસ્ત બસને તાત્કાલિક રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાની માંગ કરી હતી. સાથે જ શહેરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે સીટી બસચાલકો સહિત તમામ વાહનચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Most Popular

To Top