સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો રાજકીય વિરોધ હવે વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. એક તરફ વિપક્ષી સાંસદો વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે સંસદ પરિસરમાં વિરોધ કરી રહ્યા છે, બીજી તરફ હવે સત્તાધારી NDAના સાંસદોએ પણ રસ્તા પર ઉતરીને વિપક્ષ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. મંગળવારે સંસદના મકર દ્વાર પાસે બંને પક્ષના સાંસદો સામસામે આવી ગયા હતા અને એકબીજા સામે નારેબાજી થઈ હતી.
વિપક્ષની શું છે મુખ્ય માંગ?
વિપક્ષી પક્ષોના સાંસદોનો મુખ્ય આરોપ છે કે દિલ્હીમાં થયેલા એક પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કેમ કરવામાં આવી, તેનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આપવો જોઈએ.આ ઉપરાંત અયોધ્યાના રામ મંદિરના ચઢાવા સાથે જોડાયેલા ચોરીના મુદ્દે પણ વિપક્ષ સરકાર પાસે સ્પષ્ટ જવાબની માંગ કરી રહ્યો છે.મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા છે.વિપક્ષનું કહેવું છે કે સરકાર આ મુદ્દાઓ પર ચર્ચા અને જવાબ આપવા માટે તૈયાર થવી જોઈએ. બીજી તરફ સરકારનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં નિવેદન આપવા તૈયાર છે અને વિપક્ષે તેમને શાંતિથી સાંભળવા જોઈએ.
હવે NDA સાંસદોનું પણ પ્રદર્શન
વિપક્ષના સતત વિરોધ વચ્ચે હવે NDAના સાંસદોએ પણ જવાબી પ્રદર્શન શરૂ કર્યું છે. NDA સાંસદો ઝારખંડમાં વિદ્યાર્થીઓ સાથે થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.NDA સાંસદોનો આરોપ છે કે ઝારખંડમાં વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ અને પાણીનો મારો કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું છે કે દિલ્હીમાં પોલીસ કાર્યવાહી અંગે સવાલ ઉઠાવનાર વિપક્ષે ઝારખંડની ઘટનાને લઈને પણ જવાબ આપવો જોઈએ.ખાસ કરીને ભાજપના સાંસદો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યા છે. NDA સાંસદોનો સવાલ છે કે જો પોલીસની કાર્યવાહી અંગે દિલ્હીમાં પ્રશ્નો ઉઠાવવામાં આવે છે, તો ઝારખંડમાં બનેલી ઘટનાને લઈને કોંગ્રેસનું વલણ શું છે?
રાહુલ ગાંધીના ‘દોહરા વલણ’નો આરોપ
NDA સાંસદોનો દાવો છે કે ઝારખંડ સરકારમાં કોંગ્રેસ ભાગીદાર હોવા છતાં ત્યાં વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહી અંગે રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે કેમ બોલતા નથી?આ મુદ્દાને લઈને સત્તાધારી પક્ષે કોંગ્રેસ પર ‘દોહરા વલણ’નો આરોપ લગાવ્યો છે. જોકે, વિપક્ષ તરફથી આ આરોપોને સ્વીકારવામાં આવ્યા નથી અને સમગ્ર મામલે સરકાર પાસેથી દિલ્હીમાં થયેલી પોલીસ કાર્યવાહીને લઈને જવાબ માંગવામાં આવી રહ્યો છે.આ રાજકીય ટકરાવને કારણે સંસદની કાર્યવાહી પણ સતત પ્રભાવિત થઈ રહી છે. લોકસભામાં અનેક દિવસોથી કામકાજમાં અવરોધ સર્જાયો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ બંને પક્ષોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા અને ચર્ચા દ્વારા મુદ્દાઓનો ઉકેલ લાવવા અપીલ કરી છે.
કિરણ રિજિજુએ શું કહ્યું?
સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે અમિત શાહ સંસદમાં નિવેદન આપવા માટે તૈયાર છે અને તેઓ વિપક્ષના પ્રશ્નોના જવાબ આપશે. પરંતુ સરકારનું કહેવું છે કે આ માટે વિપક્ષે ગૃહમાં શાંતિપૂર્ણ રીતે ચર્ચા થવા દેવી પડશે.બીજી તરફ રાહુલ ગાંધીનું કહેવું છે કે વિપક્ષને માત્ર અમિત શાહનું નિવેદન સાંભળવામાં રસ નથી,પરંતુ મુખ્ય સવાલ એ છે કે દિલ્હીમાં વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કેમ કરવામાં આવી.આ રીતે સરકાર અને વિપક્ષ બંને પોતાના મુદ્દા પર અડગ હોવાથી સંસદમાં ગતિરોધ યથાવત છે.
પ્રિયંકા ગાંધી સામે લાગ્યા નારા
મંગળવારે સંસદ પરિસરમાં સ્થિતિ ત્યારે વધુ રાજકીય બની જ્યારે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સંસદ પહોંચ્યા. ભાજપના સાંસદ મુકેશ દલાલે તેમની સામે રાહુલ ગાંધીને લઈને નારેબાજી કરી અને પ્રિયંકા ગાંધીને પણ જવાબ આપતા નિવેદન આપ્યું.પ્રિયંકા ગાંધી તરફથી કહેવામાં આવ્યું કે રાહુલ ગાંધી અગાઉ જ ઝારખંડમાં આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે. ત્યારબાદ તેમને ઝારખંડ જવા અંગે સવાલ કરવામાં આવ્યો.આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બંને પક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર રાજકીય નારેબાજી જોવા મળી હતી. પ્રિયંકા ગાંધીએ બાદમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે વિપક્ષના દબાણ બાદ હવે સત્તાધારી પક્ષના સાંસદો પણ પ્રદર્શન કરી રહ્યા છે.
સંસદ બહારના વિરોધથી ગૃહની અંદર સુધી ટકરાવ
હાલની સ્થિતિ માત્ર સંસદની અંદરની ચર્ચા પૂરતી મર્યાદિત રહી નથી. બંને પક્ષો હવે સંસદ પરિસરમાં જ એકબીજાના મુદ્દાઓને લઈને પ્રદર્શન કરી રહ્યા છે. એક તરફ વિપક્ષ દિલ્હી પોલીસની કાર્યવાહી અને અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી રહ્યો છે, તો બીજી તરફ NDA ઝારખંડમાં વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યું છે.આ રાજકીય ટકરાવ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે સંસદની કાર્યવાહી ફરી ક્યારે સામાન્ય થશે અને બંને પક્ષો ચર્ચાના ટેબલ પર ક્યારે આવશે? જો કે હાલ સરકાર અમિત શાહના નિવેદન માટે તૈયાર હોવાનું કહી રહી છે, જ્યારે વિપક્ષ પોતાના પ્રશ્નોના સીધા જવાબની માંગ પર અડગ છે. પરિણામે સંસદમાં ગતિરોધ અને બહાર રાજકીય વિરોધનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.