અમેરિકાના મિનેસોટા રાજ્યમાં જુલાઈના અંતમાં ઓછામાં ઓછા 30 મ્યુનિસિપલ વોટર સિસ્ટમ પર સંકલિત સાયબર હુમલો થયો હોવાની માહિતી સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાના થોડા દિવસો બાદ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)એ પણ ચેતવણી આપી હતી કે સાયબર હુમલાખોરોએ અમેરિકાના આશરે 7 રાજ્યોમાં વોટર અને વેસ્ટવોટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી છે. આ હુમલાઓને કારણે કેટલીક કામગીરીમાં વિક્ષેપ પડ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ અમેરિકાની જરૂરી જાહેર સેવાઓની સાયબર સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે.
વોટર સિસ્ટમને કોણે નિશાન બનાવી?
જ્યોર્જિયા, ન્યૂ જર્સી અને સાઉથ ડકોટા સહિતના કેટલાક અમેરિકી રાજ્યોએ પણ વોટર સિસ્ટમ પર આવા જ હુમલાની માહિતી આપી છે. જોકે, આ રાજ્યો FBI દ્વારા જણાવાયેલા 7 રાજ્યોની યાદીમાં સામેલ છે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
ટ્રમ્પ પ્રશાસને શરૂઆતમાં આ હુમલાઓ પાછળ ઈરાન સાથે જોડાયેલા કથિત હેકર્સ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે, અમેરિકી સરકારે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વ્યક્તિ કે સંગઠનને આ સાયબર હુમલાઓ માટે જવાબદાર ઠેરવ્યું નથી. અમેરિકામાં આશરે 1,52,000 પબ્લિક ડ્રિંકિંગ વોટર સિસ્ટમ અને 16,000થી વધુ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ ફેસિલિટી છે. આ કારણે આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર હુમલો ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
પાણી ઘરો સુધી કેવી રીતે પહોંચે છે?
અમેરિકાની મોટાભાગની મ્યુનિસિપલ વોટર સિસ્ટમમાં પાણી તળાવો, સરોવરો, નદીઓ અથવા જમીનની નીચે આવેલા એક્વિફરમાંથી મેળવવામાં આવે છે. ત્યારબાદ ઈલેક્ટ્રિક પંપ દ્વારા પાણીને પાઈપલાઈન મારફતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને ફિલ્ટર અને ડિસઇન્ફેક્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેને સ્ટોરેજ ટાંકીમાં મોકલવામાં આવે છે, જ્યાંથી ઘરો, બિઝનેસ અને પાર્ક તથા શાળાઓ જેવી જાહેર સુવિધાઓ સુધી પાણી પહોંચાડવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિવિધ ડિજિટલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થતો હોવાથી સાયબર હુમલાખોરો માટે આ સિસ્ટમ મહત્વનું નિશાન બની શકે છે.
ટ્રમ્પને ઈરાની હેકર્સ પર શંકા
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકી અધિકારીઓ એ તપાસ કરી રહ્યા છે કે આ હુમલાઓનો સંબંધ ઈરાની હેકર્સ સાથે છે કે નહીં. જોકે, અધિકારીઓએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વધુ ટેક્નિકલ પુરાવા મળ્યા બાદ હાલનું મૂલ્યાંકન બદલાઈ શકે છે. ઈરાન સાથે જોડાયેલા હેકર્સ પર અગાઉ ઈઝરાયલી સપ્લાય સિસ્ટમને નિશાન બનાવવાના આરોપો લાગ્યા છે. જોકે, હાલના વોટર સિસ્ટમ હુમલાઓમાં જવાબદારી અંગે અંતિમ નિષ્કર્ષ સામે આવ્યો નથી. તપાસકર્તાઓ એ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે કોઈ અન્ય સાયબર એક્ટરે તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે ઈરાની હેકિંગ પદ્ધતિની નકલ તો નથી કરી ને.
હેકર્સે વોટર સિસ્ટમમાં કેવી રીતે ઘૂસણખોરી કરી?
સીનએનના અહેવાલ મુજબ, હુમલાખોરો ઈન્ટરનેટ સાથે સીધા જોડાયેલા પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર્સ (PLCs)ને નિશાન બનાવી રહ્યા છે. આ ઉપકરણો વોટર સિસ્ટમ અને અન્ય ઔદ્યોગિક પ્લાન્ટમાં વિવિધ મશીનો સાથે સંચાર અને નિયંત્રણનું કામ કરે છે. પીએલસીનો ઉપયોગ પાણીનું પ્રેશર, કેમિકલ ડોઝિંગ અને સિસ્ટમના અન્ય મહત્વના પરિમાણો પર નજર રાખવા માટે થાય છે. આ પ્રક્રિયા પાણી પીવા માટે સુરક્ષિત છે તેની ખાતરી કરવામાં પણ મહત્વની છે. મ્યુનિસિપલ કર્મચારીઓ સામાન્ય રીતે વાયર્ડ નેટવર્ક, રેડિયો, સેલ્યુલર લિંક અથવા ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ડેશબોર્ડનો ઉપયોગ કરીને આવા કંટ્રોલર્સનું સંચાલન કરે છે.
ડિફોલ્ટ પાસવર્ડથી લઈને રિમોટ એક્સેસ સુધી
અમેરિકન યુનિવર્સિટી સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ સર્વિસના ગ્લોબલ સિક્યોરિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર વિલિયમ અકોટોએ ‘ધ કન્વર્સેશન’ માટે લખેલા લેખમાં હુમલાની પદ્ધતિ અંગે માહિતી આપી છે.
તેમના જણાવ્યા મુજબ, હુમલાખોરો કંટ્રોલર, ડેશબોર્ડ અને રિમોટ એક્સેસ સેવા આપતી કંપનીઓના ઈન્ટરનેટ એડ્રેસ સ્કેન કરીને સીધા ઈન્ટરનેટ સાથે જોડાયેલા સિસ્ટમ શોધી શકે છે. ત્યારબાદ તેઓ ડિફોલ્ટ અથવા ચોરાયેલા પાસવર્ડ, અપડેટ ન થયેલી સોફ્ટવેર ખામી અથવા ખોટી રીતે ગોઠવાયેલી રિમોટ એક્સેસ સેવાનો લાભ લેવાનો પ્રયાસ કરે છે. સિસ્ટમમાં પ્રવેશ મળ્યા બાદ પાસવર્ડ બદલવા, કમાન્ડ આપવા અથવા કંટ્રોલરના સોફ્ટવેરમાં ફેરફાર કરવા જેવા પ્રયાસ થઈ શકે છે.
આ ઘટનાઓએ સ્પષ્ટ કર્યું છે કે પાણી જેવી મૂળભૂત જાહેર સેવા માટે માત્ર ભૌતિક સુરક્ષા પૂરતી નથી. ડિજિટલ કંટ્રોલ સિસ્ટમની સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે.