National

સાયબર ફ્રોડ સામે સરકારનુ મોટું એક્શન, 3,718 એપ બ્લોક, 15.75 લાખ સિમ અને 5.77 લાખ IMEI બ્લોક

દેશમાં વધી રહેલા સાયબર ગુનાઓ અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી સામે કેન્દ્ર સરકારે કાર્યવાહી વધુ તેજ કરી છે. ગૃહ મંત્રાલયે લોકસભામાં આપેલી માહિતી મુજબ, સરકારે વિવિધ પ્રકારની છેતરપિંડી કરતી લોન એપ્લિકેશન સહિત કુલ 3,718 મોબાઈલ એપ્લિકેશન બ્લોક કરી છે. આ કાર્યવાહી ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા વિવિધ સરકારી એજન્સીઓ અને ટેક્નોલોજી સંસ્થાઓ સાથે મળીને કરવામાં આવી રહી છે.

ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે જણાવ્યું કે 30 જૂન, 2026 સુધી સિટિઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (CFCFRMS)ની મદદથી સાયબર છેતરપિંડી સાથે જોડાયેલા આશરે 11,158 કરોડ રૂપિયા સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ હેઠળ અત્યાર સુધીમાં 32.80 લાખ સાયબર ગુનાની ફરિયાદો નોંધાઈ છે.

ફ્રોડની જાણ થતાં જ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન રોકવાની વ્યવસ્થા

CFCFRMS સાયબર ફ્રોડ બાદ ઝડપથી કાર્યવાહી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસ અને સંબંધિત એજન્સીઓ બેન્કો, પેમેન્ટ ગેટવે તથા અન્ય નાણાકીય સંસ્થાઓ સાથે મળીને શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન રોકવા અથવા ખાતામાં રહેલી રકમ ફ્રીઝ કરવા માટે કાર્યવાહી કરે છે. આ સંકલિત વ્યવસ્થાનો હેતુ છેતરપિંડી બાદ પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ જાય તે પહેલાં કાર્યવાહી ઝડપી બનાવવાનો છે.

મ્યુલ બેન્ક એકાઉન્ટ પર સરકારની નજર

સાયબર ગુનેગારો દ્વારા ચોરી કરાયેલા પૈસા છુપાવવા અને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતા શંકાસ્પદ મ્યુલ બેન્ક એકાઉન્ટ સામે પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ગૃહ મંત્રાલયે આશરે 32.08 લાખ શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટની ઓળખ કરી છે. આ ખાતાઓ મારફતે થતા કુલ 25,698 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શનને અટકાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાયબર ગુનામાં ઉપયોગ થતો હોવાની આશંકા ધરાવતા આશરે 15.75 લાખ મોબાઈલ સિમ કાર્ડ અને 5.77 લાખ આઈએમઈઆઈ નંબર પણ બ્લોક કરવામાં આવ્યા છે.

ફરિયાદના ઝડપી ઉકેલ માટે નવી વ્યવસ્થા

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અને CFCFRMS માટે ગૃહ મંત્રાલય નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ કરી રહ્યું છે. તેનો હેતુ અલગ-અલગ એજન્સીઓ વચ્ચે વધુ સારી રીતે સંકલન કરીને ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવાનો અને છેતરપિંડીમાં ગુમ થયેલા નાણાં ફ્રીઝ તથા પરત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે.

એપ્રિલ 2026માં આ પ્રક્રિયા માટે 2 નવા મોડ્યુલ પણ શરૂ કરવામાં આવ્યા હતા:

  • મની રેસ્ટોરેશન મોડ્યુલ, જેના દ્વારા રિકવર થયેલા નાણાં પીડિતોને પરત કરવાની પ્રક્રિયામાં મદદ મળશે.
  • ગ્રિવન્સ રિડ્રેસલ મોડ્યુલ, જેના દ્વારા લાંબા સમયથી પેન્ડિંગ ફરિયાદોની દેખરેખ રાખવામાં આવશે.

1930 પર ફરિયાદ કરી શકાય છે

નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ઓનલાઈન નાણાકીય છેતરપિંડી ઉપરાંત નકલી રોકાણ યોજનાઓ, સેક્સટોર્શન, ઓળખની ચોરી અને અન્ય સાયબર ગુનાઓ અંગે પણ ફરિયાદ નોંધાવી શકાય છે. નાણાકીય સાયબર ફ્રોડની સ્થિતિમાં નાગરિકો 1930 હેલ્પલાઈન પર પણ સંપર્ક કરી શકે છે. સમયસર ફરિયાદ કરવાથી શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન રોકવાની શક્યતા વધે છે.

આઈપીએલથી રેલવે સ્ટેશન સુધી જાગૃતિ અભિયાન

સરકારે સાયબર છેતરપિંડીથી બચવા માટે જાગૃતિ અભિયાન પણ વધુ વ્યાપક બનાવ્યું છે. એસએમએસ, ટેલિવિઝન, રેડિયો, ડિજિટલ પ્લેટફોર્મ ઉપરાંત રેલવે સ્ટેશન અને શાળાઓ જેવા જાહેર સ્થળોએ પણ લોકોને સાયબર ફ્રોડ અંગે સાવચેત કરવામાં આવી રહ્યા છે.

આઈપીએલ જેવી મોટી જાહેર ઇવેન્ટ દરમિયાન પણ સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વધતા ડિજિટલ પેમેન્ટ, યુપીઆઈ અને ઈન્ટરનેટ બેન્કિંગના ઉપયોગ વચ્ચે નકલી રોકાણ યોજના અને ઓટીપી ફ્રોડ જેવી પદ્ધતિઓથી લોકોને છેતરવાના પ્રયાસો વધી રહ્યા છે.

ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર કેન્દ્રિય સ્તરે આ સમગ્ર વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને રાજ્ય સરકારો, પોલીસ, બેન્કો, નાણાકીય સંસ્થાઓ તથા ટેક્નોલોજી કંપનીઓ સાથે મળીને સાયબર ગુનાઓ સામે કાર્યવાહીનું સંકલન કરે છે.

Most Popular

To Top