Gujarat

થલતેજમાં દબાણ હટાવવા ગયેલી AMC ટીમ પર હુમલો, 4 વાહનોમાં તોડફોડ

અમદાવાદના થલતેજ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના દબાણ હટાવ ખાતાની ટીમ પર હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. મંગળવારે સાંજે શાક માર્કેટ બહાર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ હોબાળો મચાવી AMCની આશરે 4 ગાડીઓમાં ભારે તોડફોડ કરી હતી. આ દરમિયાન એક ડ્રાઇવરને ગાડીમાંથી બહાર ખેંચી તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે. ઘટના બાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન હોબાળો

મળતી માહિતી મુજબ, મંગળવારે મોડી સાંજે AMCની ટીમ થલતેજ શાક માર્કેટ બહાર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવ્યા બાદ સ્થાનિક દબાણકારો અને કેટલાક અસામાજિક તત્વોએ તેનો વિરોધ કર્યો હતો. જોતજોતામાં વિરોધ ઉગ્ર બન્યો હતો અને ટોળાએ હંગામો શરૂ કરી દીધો હતો. સ્થિતિ વણસતાં ટોળાએ AMCની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.

AMCની 4 ગાડીઓને નિશાન બનાવાઈ

હંગામા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ AMCની આશરે 4 ગાડીઓને નિશાન બનાવી હતી. વાહનોમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન એક AMC ડ્રાઇવરને ગાડીમાંથી બહાર ખેંચવામાં આવ્યો હતો અને તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને AMCની ટીમમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટના બાદ AMCની ટીમે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં વાહનોમાં તોડફોડ, સરકારી કામગીરીમાં રુકાવટ અને મારપીટ સહિતની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો તેમજ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

હુમલામાં સામેલ લોકોની ઓળખ થયા બાદ તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. થલતેજમાં સરકારી ટીમ દબાણ હટાવવાની કામગીરી માટે પહોંચી ત્યારે બનેલી આ ઘટનાને કારણે વિસ્તારમાં પણ ચર્ચા જાગી છે.

Most Popular

To Top