ત્રણ વેપારીઓને લાખોનો ચૂનો લગાવી દોઢ વર્ષથી નાસતો ફરતો ‘ઝાઈદ ટેક્સટાઈલ્સ’નો માલિક ઝડપાયો
ગાંધીનગરમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને રજૂઆત બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચનું તાત્કાલિક એક્શન: સુરતની ટેક્સટાઈલ માર્કેટના ત્રણ વેપારીઓ સાથે કુલ રૂ.23.50 લાખની આર્થિક છેતરપિંડીના કેસમાં દોઢ વર્ષથી કાયદાની પકડથી દૂર રહેલા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.‘ઝાઈદ ટેક્સટાઈલ્સ’ના માલિક મોહમદ ઝાકીરીયા ગુલામ મોહમદ કાપડીયા સામે વેપારીઓએ ફરિયાદ કરી હતી.લાંબા સમયથી આરોપી ફરાર રહેતા પીડિત વેપારીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી એ વેપારીઓની રજૂઆત ગંભીરતાથી સાંભળી સુરત ક્રાઈમ બ્રાન્ચને ત્વરિત અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP શ્રી બી.પી. રોજીયા તથા તેમની ટીમે તપાસ તેજ કરી હતી અને માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કર્યો હતો.
શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ જીત્યો, પછી લાખોનો માલ ઉધારમાં લીધો ,મળતી માહિતી મુજબ, આરોપી મોહમદ ઝાકીરીયાએ બમરોલી સ્થિત હરિઓમ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી-2 વિસ્તારમાં ગ્રે યાર્નનો વ્યવસાય કરતા વેપારીઓ સાથે વર્ષ 2017થી વેપાર શરૂ કર્યો હતો.
વેપારીઓ સાથે શરૂઆતના વ્યવહારમાં આરોપી દ્વારા સમયસર પેમેન્ટ ચૂકવવામાં આવતું હોવાથી વેપારીઓનો તેના પર વિશ્વાસ વધ્યો હતો. આ વિશ્વાસનો લાભ લઈ બાદમાં આરોપીએ ઉધાર પર મોટા પ્રમાણમાં ગ્રે યાર્નનો માલ લીધો હતો.
આરોપી દ્વારા માલ મેળવ્યા બાદ પેમેન્ટ ચૂકવવામાં ન આવતાં ત્રણ વેપારીઓની મોટી રકમ અટવાઈ ગઈ હતી.
ત્રણ વેપારીઓ પાસેથી કુલ રૂ.23.50 લાખની લેવડદેવડ
કેસની વિગતો મુજબ ત્રણ વેપારીઓ સાથે થયેલી નાણાકીય લેવડદેવડમાં—
મનીષકુમાર બાબુલાલ પટેલ (જય અંબિકા ટેક્સટાઈલ્સ) પાસેથી રૂ.13 લાખ,
જય પટેલ (દેવ ટેક્સ) પાસેથી રૂ.3.80 લાખ,
રોહિતભાઈ પટેલ (જય સધીમા ટેક્સટાઈલ્સ) પાસેથી રૂ.6.46 લાખની રકમનો માલ લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આમ, ત્રણેય વેપારીઓની મળીને કુલ રૂ.23.50 લાખની રકમ બાકી રહી હતી.પેમેન્ટ માટે આપેલા ચેક બાઉન્સ થયા,
ઉઘરાણી કરતાં ધમકીનો પણ આક્ષેપ
વેપારીઓ દ્વારા વારંવાર પેમેન્ટની ઉઘરાણી કરવામાં આવતા આરોપીએ ચેક આપ્યા હતા. જોકે, વેપારીઓના જણાવ્યા મુજબ આ ચેક બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયા હતા.વેપારીઓએ પોતાના હકના નાણાં પરત મેળવવા માટે આરોપી પાસે વારંવાર ઉઘરાણી કરી હતી. આ દરમિયાન નાણાંની ઉઘરાણી કરવા જતાં વેપારીઓને ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ સમગ્ર મામલે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ત્યારબાદ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
દોઢ વર્ષ સુધી પોલીસ અને કોર્ટની કાર્યવાહીથી દૂર રહ્યો
ફરિયાદ અને કાયદાકીય કાર્યવાહી શરૂ થયા બાદ આરોપી પોતાની દુકાનનું સરનામું બદલીને પોલીસની પકડથી બચતો રહ્યો હોવાનું જણાવાયું છે. આરોપી કોર્ટની કાર્યવાહી દરમિયાન પણ ગેરહાજર રહેતો હતો.પોલીસ દ્વારા આરોપીને શોધવા સતત તપાસ કરવામાં આવી રહી હતી. પરંતુ આરોપી વારંવાર પોતાનું સ્થળ બદલતો હોવાથી તેની ધરપકડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી.લાંબા સમયથી કાર્યવાહી આગળ ન વધતા પીડિત વેપારીઓએ આખરે ગાંધીનગર ખાતે રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો.
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ વેપારીની રૂબરૂ રજૂઆત
પીડિત વેપારી મનીષકુમાર પટેલે ગાંધીનગર ખાતે મુલાકાતી દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને સમગ્ર મામલાની રજૂઆત કરી હતી. વેપારીએ પોતાની સાથે થયેલી રૂ.23.50 લાખની છેતરપિંડી, આરોપી લાંબા સમયથી ફરાર હોવા અને કાયદાકીય કાર્યવાહી છતાં તેની ધરપકડ ન થઈ હોવાની વિગતો નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. નાયબ મુખ્યમંત્રી એ વેપારીની વાત ગંભીરતાથી સાંભળી હતી અને તાત્કાલિક સુરત DCP ક્રાઈમ બ્રાન્ચને કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
હર્ષ સંઘવીની સૂચના બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી
નાયબ મુખ્યમંત્રીની સૂચના મળ્યા બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી હતી.DCP બી.પી. રોજીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી અંગેની માહિતી એકત્ર કરી શોધખોળ હાથ ધરી હતી. પોલીસના સતત પ્રયાસો બાદ માત્ર 7 દિવસના ટૂંકા સમયગાળામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મોહમદ ઝાકીરીયા ગુલામ મોહમદ કાપડીયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને જેલહવાલે કરવામાં આવ્યો હતો.
પીડિત વેપારીએ કહ્યું- “ગાંધીનગરનો ધક્કો સંપૂર્ણ ફળ્યો”
આરોપીની ધરપકડ બાદ પીડિત વેપારી મનીષકુમાર પટેલે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા. પરંતુ ગાંધીનગર જઈને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કર્યા બાદ જે રીતે તેમણે તાત્કાલિક કડક આદેશ આપી સુરત ક્રાઈમ બ્રાન્ચને સક્રિય કરી, તેનાથી તેમની રજૂઆતનું ઝડપી પરિણામ મળ્યું.મનીષકુમાર પટેલે જણાવ્યું કે, “નાયબ મુખ્યમંત્રીશ્રી અને સુરત પોલીસની ત્વરિત કામગીરીથી અમને ન્યાય મળ્યો છે. અમારો ગાંધીનગરનો ધક્કો સંપૂર્ણ ફળ્યો છે.”સાથે જ તેમણે ટેક્સટાઈલ ક્ષેત્રના અન્ય વેપારીઓને પણ અપીલ કરી કે, કોઈપણ પ્રકારની છેતરપિંડી કે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે તો ગભરાયા વગર પોલીસ અને સરકારનો સંપર્ક કરવો જોઈએ.
વેપારીઓની ફરિયાદો અંગે સરકારનું કડક વલણ
સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓ સાથે થતી નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ સામે રાજ્ય સરકાર અને સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં પણ લાંબા સમયથી ફરાર આરોપી અંગે પીડિત વેપારી દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસને વેગ આપ્યો અને ટૂંકા સમયમાં આરોપીની ધરપકડ કરી હતી.
આ કાર્યવાહીને પગલે પીડિત વેપારીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.