Technology

શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો

દુનિયાભરમાં બેંકિંગ સિસ્ટમને લઈને નવી ચિંતા ઊભી થઈ છે. ‘ક્લોડ મિથોસ’ નામના એક શક્તિશાળી AI મોડલને કારણે સાયબર સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. ભારત સહિત અનેક દેશોમાં સરકારો અને બેંકોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ મુદ્દે ભારતના નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દેશની મોટી બેંકોના વડાઓ, રિઝર્વ બેંકના અધિકારીઓ અને IT મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા. બેઠકમાં બેંકોને સાવચેતી રાખવા અને સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. નિર્મલા સીતારામને જણાવ્યું કે આ ખતરો પહેલાથી અલગ અને વધુ ગંભીર હોઈ શકે છે. જોકે હાલ સુધી કોઈ મોટી ઘટના બની નથી, પરંતુ ભવિષ્યમાં જોખમ ટાળવા માટે તૈયાર રહેવું ખૂબ જરૂરી છે.

‘ક્લોડ મિથોસ’ એક અદ્યતન AI મોડલ હોવાનું કહેવામાં આવે છે, જે અમેરિકાની AI કંપની એન્થ્રોપિક દ્વારા વિકસાવવામાં આવ્યું છે. મૂળ હેતુ હતો કે આ AI સિસ્ટમોની નબળાઈઓ શોધીને તેમને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરે. એટલે કે, હેકરો કરતાં પહેલાથી જ ખામી શોધીને સુધારવાની ટેક્નોલોજી. પરંતુ ટેસ્ટિંગ દરમિયાન આ AIએ જે પરિણામ આપ્યા તે ચોંકાવનારા હતા. તેણે મિનિટોમાં જ મોટી કંપનીઓના સોફ્ટવેરમાં 20થી 30 વર્ષ જૂની ખામીઓ શોધી કાઢી. આથી કંપની પોતે જ ચિંતામાં આવી ગઈ. આ AI સિસ્ટમ એટલી શક્તિશાળી હોવાનું કહેવાય છે કે તે પાસવર્ડ તોડવા, સિસ્ટમમાં ઘૂસણખોરી કરવા અને વિવિધ કમજોરીઓને જોડીને સંપૂર્ણ હેકિંગ પ્લાન બનાવી શકે છે. સામાન્ય રીતે આ પ્રકારનું કામ કરવા માટે વર્ષોનો અનુભવ જોઈએ, પરંતુ આ AI ખૂબ ઓછા સમયમાં આ બધું કરી શકે છે. જો આવી ટેક્નોલોજી ખોટા લોકોના હાથમાં પહોંચે તો તેની અસર ગંભીર બની શકે છે. બેંકોના એકાઉન્ટ હેક થઈ શકે છે, સરકારના ડેટા ચોરી થઈ શકે છે, હોસ્પિટલ અને રક્ષણ ક્ષેત્રની સિસ્ટમ પણ જોખમમાં આવી શકે છે. આ કારણોસર કંપનીએ આ મોડલને જાહેરમાં લોન્ચ કર્યું નથી. હાલમાં તેને મર્યાદિત સ્તરે જ ટેસ્ટિંગ માટે રાખવામાં આવ્યું છે.

કેટલાક રિપોર્ટ્સ મુજબ આ ટેક્નોલોજી વિશેની માહિતી બહાર આવી ગઈ છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતા વધી છે. હજી સુધી કોઈ સાયબર હુમલાની પુષ્ટિ નથી, પરંતુ સંભાવનાઓને લઈને સતર્કતા વધારવામાં આવી છે. ભારત સહિત અનેક દેશોમાં રિઝર્વ બેંકો અને સરકારી એજન્સીઓ સાયબર સુરક્ષા મજબૂત બનાવવા પર કામ કરી રહી છે. ખાસ કરીને બેંકોને રિયલ-ટાઇમ મોનીટરીંગ અને ડેટા શેરિંગ સિસ્ટમ મજબૂત કરવા સૂચના આપવામાં આવી છે. હાલમાં કોઈ સીધો ખતરો નોંધાયો નથી, પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. મજબૂત પાસવર્ડ, ટુ-સ્ટેપ વેરિફિકેશન અને અજાણી લિંક્સથી દૂર રહેવું જરૂરી છે. બેંકિંગ સંબંધિત કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ જાણ કરવી જોઈએ. આ સમગ્ર મામલો બતાવે છે કે ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે, એટલી જ સુરક્ષાની જરૂરિયાત પણ વધી રહી છે. ક્લોડ મિથોસ જેવા AI સાધનો ભવિષ્યમાં સાયબર સુરક્ષા માટે મદદરૂપ પણ બની શકે છે, પરંતુ તેનો ખોટો ઉપયોગ થાય તો તે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે.

Most Popular

To Top