Vadodara

વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.25

વડોદરાની સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં આજે એક કરુણ ઘટના સામે આવી છે. હોસ્પિટલના પરિસરમાંથી પસાર થઈ રહેલા એક 35 વર્ષીય યુવકનું અચાનક તબિયત લથડતા અને લોહીની ઉલટીઓ થતા ગણતરીની મિનિટોમાં જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે હોસ્પિટલ કેમ્પસમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ રંજન કુમાર ઇન્દ્રદેવસિંહ તરીકે થઈ છે. આજે સવારે આ યુવક સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની પાછળ આવેલી શૌચાલયની નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન તેને અચાનક ગંભીર બિમારીનો હુમલો આવ્યો હોય તેમ અતિશય લોહીની ઉલટીઓ થવા લાગી હતી. કંઈ પણ સમજી શકાય તે પહેલા જ તે જમીન પર ઢળી પડ્યો હતો.

આસપાસના લોકો અને હોસ્પિટલના કર્મચારીઓએ યુવકને અસ્વસ્થ હાલતમાં જોઈને તાત્કાલિક સારવાર માટે ખસેડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસતા તેને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના પ્રાંગણમાં જ આવી ઘટના ઘટતા લોકોમાં ભારે આઘાત જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકનો કબ્જો મેળવીને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે. યુવકને અગાઉથી કોઈ ગંભીર બિમારી હતી કે અન્ય કોઈ કારણસર લોહીની ઉલટીઓ થઈ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી રહી છે, જેથી આ મૃત્યુ પાછળના ચોક્કસ કારણો જાણી શકાય.

Most Popular

To Top