જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત વિશ્વના ત્રીજા સૌથી ઊંચા રોપવે ગુલમર્ગ ગોંડોલા ખાતે સોમવારે ટેકનિકલ ખામી સર્જાઈ. બપોરે 2:30 વાગ્યાની આસપાસ રોપવે પરના બધા કેબિન અચાનક બંધ થઈ ગયા. તે સમયે 300 થી વધુ પ્રવાસીઓ સવાર હતા, જેના કારણે તેઓ હવામાં ફસાઈ ગયા.
ફસાયેલા વ્યક્તિઓમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. ઘણા પ્રવાસીઓ ગભરાઈ ગયા, રડી પડ્યા અને ચીસો પાડી રહ્યા હતા. સેનાના જણાવ્યા અનુસાર 65 કેબિન હવામાં લટકી પડ્યા હતા. દરેક કેબિનમાં છ લોકોની બેસવાની ક્ષમતા છે. અત્યાર સુધીમાં 16 કેબિનમાંથી 80 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
ઘટનાના ઘણા વીડિયો સામે આવ્યા છે જેમાં બચાવ ટીમો દોરડા અને સીડીનો ઉપયોગ કરીને લોકોને જમીન પર ઉતારી રહી છે. SDRF અને NDRFની ટીમો પણ ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી મોડી રાત સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી.
ગુલમર્ગ ગોંડોલા બે તબક્કામાં કાર્યરત છે. પહેલો તબક્કો ગુલમર્ગને કોંગદૂરી સાથે જોડે છે, જ્યારે બીજો તબક્કો કોંગદૂરીથી અપરવત સ્ટેશન સુધી ચાલે છે. સમગ્ર સિસ્ટમમાં બંને રૂટ પર કુલ 108 કેબિનનો સમાવેશ થાય છે. શ્રીનગર અને ગુલમર્ગ ગોંડોલા વચ્ચેનું અંતર 51 કિલોમીટર છે.
મુખ્યમંત્રી ખાતરી આપી: પ્રવાસીઓ સુરક્ષિત
ઘટના પર બોલતા જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તમામ કેબિન અને તેમની અંદર ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે. તાલીમ પામેલી ટીમો લોકોને બહાર કાઢવા માટે કામગીરી ચલાવી રહી છે. ગભરાવાની કોઈ જરૂર નથી.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું, “હું કેબલ કાર કેબિનમાં ફસાયેલા પ્રવાસીઓ માટે બચાવ કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યો છું. મેં ડીજીપીને ઘટના સ્થળની મુલાકાત લેવા નિર્દેશ આપ્યો છે. પોલીસ, સેના, એસડીઆરએફ, ડેપ્યુટી કમિશનર (ડીસી) અને સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસએસપી) ની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે હાજર છે.”