તંત્રની ઘોર બેદરકારી, ઇમરજન્સી વોર્ડમાં કલાકો સુધી રઝડતા રહ્યા મૃતદેહો
નિયમોનું સરેઆમ ઉલ્લંઘન, જીવતા દર્દીઓની વચ્ચે કલાકો સુધી પડી રહી લાશ, દર્દીઓ અને સગા-સંબંધીઓમાં ભારે આક્રોશ

(પ્રતિનિધિ), વડોદરા. તા.25
મધ્ય ગુજરાતની સૌથી મોટી અને ગરીબોની જીવાદોરી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. આ વખતે હોસ્પિટલ પ્રશાસનની અત્યંત સંવેદનહીન અને ઘોર બેદરકારી સામે આવી છે, જેમાં અકસ્માત અને ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવેલા અન્ય દર્દીઓની વચ્ચે જ બે થી ત્રણ કલાક સુધી મૃતદેહો રઝડતા રહ્યા હતા. આ આઘાતજનક ઘટનાને પગલે હોસ્પિટલમાં હાજર દર્દીઓ અને તેમના પરિવારોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સરકારી તબીબી નિયમો અનુસાર, જ્યારે પણ કોઈ દર્દીને હોસ્પિટલમાં લાવતાની સાથે જ મૃત જાહેર કરવામાં આવે અથવા સારવાર દરમિયાન તેનું મોત નીપજે, ત્યારે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તુરંત જ મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ અથવા કોલ્ડ સ્ટોરેજમાં ખસેડવાનો હોય છે. પરંતુ SSG હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તંત્રની આળસ અને સંકલનના અભાવે મૃતદેહોને કલાકો સુધી વોર્ડમાં જ રાખવામાં આવ્યા હતા. જીવતા દર્દીઓ જ્યાં સારવાર લઈ રહ્યા હતા, તેની બાજુમાં જ કલાકો સુધી મૃતદેહો પડી રહેતા હોસ્પિટલની ગંભીર લાપરવાહી છતી થઈ છે.
SSG હોસ્પિટલમાં મૃતદેહોની સાચવણી બાબતે લાપરવાહી દાખવવામાં આવી હોય તેવી આ કોઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે સમયસર મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં ન મુકાતા લાશ ‘ડી-કમ્પોઝ’ની ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. તે સમયે પણ મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલ કેમ્પસમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને તંત્રએ તપાસના આશ્વાસનો આપ્યા હતા. પરંતુ વારંવાર થતી આવી ઘટનાઓ સાબિત કરે છે કે લાચાર વહીવટી તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું.
આ ઘટના સામે આવ્યા બાદ વડોદરા અને આસપાસના જિલ્લાઓમાંથી આવતા સામાન્ય નાગરિકોમાં સરકારી આરોગ્ય તંત્રની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઉભા થયા છે. ગરીબ દર્દીઓ ભારે આશા સાથે આ સરકારી હોસ્પિટલમાં આવે છે, પરંતુ વહીવટી તંત્રની આવી ઘોર બેદરકારીને કારણે લોકોનો ભરોસો તૂટી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ જવાબદાર સ્ટાફ સામે કોઈ કડક પગલાં લેશે કે પછી દર વખતની જેમ મામલો થાળે પાડી દેવામાં આવશે.