અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યાં જ બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરીને ચિંતા વધારી છે. હાલમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે, જેમાં રાજકોટ અને અમરેલી 42 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો નોંધાયા છે.
રાજ્યના મુખ્ય શહેરોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટ અને અમરેલીમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભુજ, સુરેન્દ્રનગર, કેશોદ અને કંડલા એરપોર્ટ પર પારો 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે, જ્યારે ડીસા અને વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. સુરત, ભાવનગર, નલિયા, પોરબંદર અને કંડલા પોર્ટ પર ગરમીનો પારો 37 થી 39 ડિગ્રીની વચ્ચે નોંધાયો છે, જ્યારે દમણ અને મહુવામાં તાપમાન 34 થી 36 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.
આ જિલ્લાઓમાં પડશે વરસાદી ઝાપટાં
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જેમાં તા.19 થી 20 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તા.20 થી 21 એપ્રિલ દરમિયાન દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.
આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય
હવામાન વૈજ્ઞાનિકોના મતે, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ સક્રિય છે. જેના કારણે • તાપમાન: આગામી 7 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પારો 40 ડિગ્રીથી ઉપર રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 14 થી 18 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળી હવાને કારણે લોકોએ ભારે બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. હાલમાં કચ્છના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજનમાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું રહ્યું છે. એક તરફ હીટવેવ જેવી સ્થિતિ અને બીજી તરફ વરસાદી આફતને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.