Vadodara

વડોદરાની SSG હોસ્પિટલમાં ‘સ્વચ્છતા’ના નામે કરોડોનો ખેલ, કોન્ટ્રાક્ટની વહેંચણીમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં

(પ્રતિનિધિ), વડોદરા. તા.18

વડોદરાની સયાજી હોસ્પિટલ હાલમાં ગંભીર આર્થિક અને વહીવટી અંધેરના કારણે ચર્ચાના ચકડોળે ચઢી છે. હોસ્પિટલના કેમ્પસમાં વ્યાપેલી અસહ્ય ગંદકી અને ખાસ કરીને શૌચાલયોની દયનીય સ્થિતિ દર્દીઓ માટે આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થઈ રહી છે. કરોડો રૂપિયાના ટેન્ડરો અને કોન્ટ્રાક્ટ આપવામાં જે ગતિવિધિઓ જોવા મળી રહી છે, તે હવે દર્દીઓના જીવ પર આવીને અટકી છે.

ભૂતકાળમાં સફાઈ અને શૌચાલયની જાળવણીની સંપૂર્ણ જવાબદારી એક જ એજન્સી પાસે હતી, જેથી કામગીરીમાં સુસંગતતા રહેતી હતી. પરંતુ, નવા વહીવટી નિર્ણયો હેઠળ કરોડો રૂપિયાનો તોતિંગ કોન્ટ્રાક્ટ ‘રાજેશ એન્ટરપ્રાઈઝ’ને સોંપવામાં આવ્યો. આ પછી, વિચિત્ર રીતે શૌચાલયની સફાઈ માટે અલગથી અન્ય એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો. આ “ભાગલા પાડો અને રાજ કરો” જેવી નીતિએ હોસ્પિટલમાં સફાઈ વ્યવસ્થાને સંપૂર્ણપણે ખોરવી નાખી છે. હવે કઈ એજન્સી જવાબદાર છે, તે નક્કી કરવામાં જ વહીવટીતંત્ર ઉણું ઉતરી રહ્યું છે.

સૌથી મોટો પ્રશ્ન એ છે કે, કરોડો રૂપિયાનું આંધણ કર્યા પછી પણ જો દર્દીઓને પાયાની સ્વચ્છતા ન મળતી હોય, તો આ રકમ કોના ખિસ્સામાં જાય છે ? શું ‘રાજેશ એન્ટરપ્રાઈઝ’ કે અન્ય કોન્ટ્રાક્ટરોને છાવરવા માટે આ આખી સિસ્ટમ રચવામાં આવી છે ? કે પછી હોસ્પિટલના વહીવટી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોઈ અંદરખાને મિલીભગત ચાલી રહી છે ?

દર્દીઓના પરિવારજનો દ્વારા કરવામાં આવતી રજૂઆતો માત્ર કાગળ પર જ દબાઈ જાય છે. જો આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં નહીં આવે અને જવાબદાર અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે, તો આ હોસ્પિટલ રોગચાળાનું એપી સેન્ટર બની જશે તેવા આક્ષેપો સામાજિક કાર્યકર કમલેશ પરમારે કર્યા છે.

Most Popular

To Top