Entertainment

ઓસ્કર એકેડેમીના પેજ પર શાહરુખ ખાનનો જાદુ, ઓમ શાંતિ ઓમનો વીડિયો વાયરલ

બોલિવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમને ખાસ બનાવ્યું છે ઓસ્કર એકેડેમીએ. ધ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસે શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’નો એક પ્રખ્યાત વીડિયો પોતાના સોશિયલ મીડિયા પેજ પર શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મનો ખૂબ લોકપ્રિય ડાયલોગ “કિસી ચીઝ કો શિદ્દત સે ચાહો…” વાળો સીન છે, જેને ચાહકો આજે પણ ખૂબ પસંદ કરે છે. ઓસ્કર એકેડેમીએ આ ક્લિપ શેર કરતાં લખ્યું કે, ‘નસીબની એક વાત છે… તે ક્યારેય ચૂકતું નથી.’ આ પોસ્ટ સામે આવતાં જ શાહરુખ ખાનના ફેન્સમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ પોસ્ટ પર શાહરુખ ખાને પણ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પોસ્ટને રીટ્વીટ કરતા લખ્યું કે, ‘એકેડેમી એવોર્ડ્સ, તમે આ સ્પીચ દ્વારા મને જૂની યાદોમાં લઈ ગયા… હવે મને ખરેખર લાગે છે કે હું દુનિયાનો બાદશાહ છું.’ તેમની આ પ્રતિક્રિયા પણ ચાહકોમાં ખૂબ વાયરલ થઈ રહી છે.

‘ઓમ શાંતિ ઓમ’ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી અને તે સમયે બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મનું ડિરેક્શન ફરાહ ખાને કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા દીપિકા પાદુકોણે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં અર્જુન રામપાલ અને શ્રેયસ તલપડે પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા. શાહરુખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તેઓ ટૂંક સમયમાં ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને તેમાં સુહાના ખાન, અભિષેક બચ્ચન અને દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. આ ઉપરાંત, એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શાહરુખ ખાન અલ્લુ અર્જુનની આવનારી ફિલ્મ ‘રાકા’માં કેમિયો કરી શકે છે, પરંતુ આ અંગે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઓસ્કર એકેડેમી દ્વારા શેર કરાયેલ આ વીડિયો શાહરુખ ખાનની વૈશ્વિક લોકપ્રિયતાનો એક વધુ પુરાવો છે. તેમના ફેન્સ માટે આ એક ગૌરવની ક્ષણ છે.

Most Popular

To Top