Gujarat

સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’

ગાંધીનગર,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીના આમરણ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા ખાતે વિશાળ ‘વિકાસ સંકલ્પ સભાઓ’ ગજવી હતી. આકરા ઉનાળામાં પણ ઉમટી પડેલી જંગી મેદનીને સંબોધતા તેમણે ભાજપના શાસનમાં મજબૂત થયેલી કાયદો-વ્યવસ્થા અને વિકાસની રાજનીતિ પર ભાર મૂકી વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “ભાજપ અને ગુજરાતના નાગરિકો વચ્ચે વિશ્વાસ અને સ્નેહનો અખંડ સંબંધ છે. આ સંગઠન અને જનતાનો સાથ દેશ જ નહીં પરંતુ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપની લોકપ્રિયતાને કારણે જ ચૂંટણી પહેલા ૭૦૦ થી વધુ બેઠકો પર ભાજપ બિનહરીફ વિજયી બની છે, જ્યારે વિપક્ષોને તો પૂરતા ઉમેદવારો પણ મળ્યા નથી.

કોંગ્રેસના ‘કુશાસન’ પર આકરા પ્રહાર

કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા સંઘવીએ યુવાનોને અપીલ કરી હતી કે તેઓ વડીલો પાસેથી તે સમયના ઈતિહાસની માહિતી મેળવે. તેમણે કહ્યું કે,

  • ​ભૂતકાળની પીડા: કોંગ્રેસના શાસનમાં માતા-બહેનોને પાણી માટે કિલોમીટરો સુધી ભટકવું પડતું અને સાંજ પછી દીકરીઓ ઘરની બહાર નીકળતા ડરતી હતી.
  • ​વર્તમાન સુરક્ષા: આજે ભાજપ સરકારની મજબૂત નીતિઓને કારણે દીકરીઓ અડધી રાત્રે પણ નિર્ભય થઈને ફરી શકે છે.
  • ​કડક ચેતવણી: “જો કોઈ લુખ્ખા-ટપોરીઓ બહેન-દીકરીઓને હેરાન કરશે તો ગુજરાત પોલીસ તેમને શોધી-શોધીને જેલમાં ધકેલશે. ગુનાહિત તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ રહેશે.”

સંઘવીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર સત્તા માટેની નથી પણ વિકાસની ગતિને વધુ ઝડપી બનાવવાની છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવતા કહ્યું હતું કે • ​ખેડૂત અને ગરીબ કલ્યાણ – કિસાન સન્માન નિધિ હેઠળ સીધા ૬ હજાર રૂપિયા, આયુષ્માન કાર્ડ દ્વારા ૧૦ લાખ સુધીની મફત સારવાર અને આવાસ યોજનાથી ગરીબોને ઘર મળ્યા છે. • ​માળખાકીય સુવિધાઓ – ભાજપના મજબૂત નેતૃત્વ અને ટીમ વર્કને કારણે આજે છેવાડાના ગામડાઓ સુધી વીજળી અને પાયાની સુવિધાઓ પહોંચી છે.સભા બાદ નાયબ મુખ્યમંત્રીએ ચોટીલા ખાતે ભાજપાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું વિધિવત ઉદ્દઘાટન કર્યું હતું. તેમણે જ્ઞાતિ-જાતિના નામે લાગણીઓ ભડકાવનારા તત્વોથી સાવધ રહેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા આ ચૂંટણીમાં સબક શીખવશે. અંતમાં તેમણે ભાજપના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા આહ્વાન કર્યું હતું.

Most Popular

To Top