Vadodara

વડોદરા કોંગ્રેસમાં ‘સ્ટેજ’ માટે સંગ્રામ: પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની સભામાં મહામંત્રીની અવગણના થતા હોબાળો

​”શું કોંગ્રેસને મરાઠી મતોની જરૂર નથી?” – મહામંત્રી વિજય જાદવે પ્રભારીને ફોન પર તતડાવ્યા

વડોદરા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડોદરા શહેરમાં કોંગ્રેસ પક્ષની આંતરિક ખેંચતાણ ફરી એકવાર સપાટી પર આવી છે. વોર્ડ નંબર-1 માં આયોજિત પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની સભા દરમિયાન સ્ટેજ પર સ્થાન ફાળવવા બાબતે શહેર કોંગ્રેસના મહામંત્રીએ ઉગ્ર નારાજગી વ્યક્ત કરી પ્રભારીને ટેલિફોનિક રજૂઆત કરી હતી, જેનો ઓડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના વોર્ડ નંબર-1 માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી તુષાર ચૌધરીની હાજરીમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં શહેર કોંગ્રેસના મહામંત્રી વિજય જાદવને સ્ટેજ પર યોગ્ય સ્થાન ન મળતા તેઓ વિફર્યા હતા. વિજય જાદવનો આક્ષેપ છે કે પક્ષના પાયાના કાર્યકરો અને હોદ્દેદારોની અવગણના કરીને બહારના વ્યક્તિઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે. તેમણે ખાસ કરીને અપક્ષના ટેકેદાર મનોજ પરમારને સ્ટેજ પર બેસાડવા મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા.
ચૂંટણી ટાણે જ કાર્યકરો વચ્ચેની આ નારાજગી કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને મરાઠી મતદારોના મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીથી શહેરના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જો પક્ષ હાઈકમાન્ડ આ મામલે વહેલી તકે નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં આંતરિક વિખવાદ વધુ વકરે તેવી શક્યતા છે.

:- સભા દરમિયાન મહામંત્રી વિજય જાદવે કોંગ્રેસના પ્રભારી વિમલ શાહને ફોન કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. વાતચીતના અંશો આ મુજબ છે:
*​વિજય જાદવ: “સાહેબ, આ હું વિજય જાદવ બોલું છું, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી. મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે મહામંત્રી તરીકે અમારી કોઈ વેલ્યુ છે કે નહીં?”
*​વિમલ શાહ (પ્રભારી): “હા બોલો, કેમ છો? શું થયું?”
*​વિજય જાદવ: “અત્યારે વોર્ડ નંબર-1 માં સભા ચાલી રહી છે, તુષારભાઈ ચૌધરી આવ્યા છે. તમે માજી પ્રમુખોને સ્ટેજ પર ચડાવો છો, પણ શહેર મહામંત્રી તરીકે મારી અવગણના કેમ કરવામાં આવે છે? શું કોંગ્રેસને મરાઠી વોટર્સની જરૂર નથી?”
*​વિમલ શાહ: “ભાઈ, હું અત્યારે ઇન્ટરવ્યુમાં હતો, પણ હવે મારું ધ્યાન દોરાયું છે. હું શહેર પ્રમુખ અને તે વિસ્તારના પ્રમુખનું ધ્યાન દોરું છું.”
*​વિજય જાદવ: “સાહેબ, આમાં નરેન્દ્ર રાવત મેનેજમેન્ટ કરે છે. હું એક સક્ષમ વ્યક્તિ છું, મારો બાયોડેટા તમને આપેલો જ છે. જો આવી રીતે અવગણના થતી રહેશે તો કોઈ મતલબ નથી. કાલે ઉઠીને હું મીડિયામાં પણ જઈશ.”

Most Popular

To Top