ગાંધીનગર,
ગુજરાત પોલીસના સાયબર ક્રાઈમ સેલ (CID Crime) દ્વારા એક મોટા ઓપરેશનમાં આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત પોલીના ગાંધીનગર સ્થિત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દેશભરમાં ફેલાયેલા કરોડો રૂપિયાના સાયબર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.
કરોડોનું આર્થિક કૌભાંડ
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડૉ. રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ₹૨૧૦,૭૦,૫૨,૨૪૭ (૨૧૦ કરોડથી વધુ) રકમનું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન આરોપીઓના મોબાઈલ ફોનમાંથી ૫૦ થી વધુ બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. આ એકાઉન્ટ્સ દ્વારા ભારતના અલગ-અલગ રાજ્યોમાં કુલ ૨૭૩ જેટલા ગુનાઓ આચરવામાં આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે.
ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના તપાસનીસ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા આ ગેંગના મુખ્ય સંચાલકથી લઈને એકાઉન્ટ હેન્ડલર્સ સુધીના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં
૧. અબ્દુલ કબીર મહોમ્મદપઠાણ : મુખ્ય ભૂમિકા, બેંક એકાઉન્ટમાંથી ફ્રોડના નાણાં ઉપાડવા અને ફેરવવા.
૨. વિવેક નરેશભાઈ વણઝારા: પોતાના અને મિત્રોના નામે ખાતા ખોલાવી કમિશન મેળવનાર.
૩. મયંક પ્યારેલાલ બૈરવા: બેંક ખાતા ઓપરેશનમાં સહયોગી.
૪. રોહિત વર્મા: બેંક ખાતા મારફતે નાણાં ઉપાડી કમિશન મેળવનાર.
૫. મોહિત રાવલ: મોબાઈલ શોપ મારફતે નેટવર્ક સાથે જોડાણ પૂરું પાડનાર.
૬. દિપેશ રાજપુરોહિત ઉર્ફે મોન્ટુ: મુખ્ય સંચાલક, જે ૪૦ જેટલા બેંક ખાતાના નેટવર્કને હેન્ડલ કરતો હતો.
કઈ રીતે આચરતા હતા ગુના (Modus Operandi)
આ ગેંગ વિવિધ પદ્ધતિઓ દ્વારા લોકોને છેતરતી હતી, જેમાં મુખ્યત્વે નીચે મુજબના ફ્રોડ સામેલ છે.
ડિજિટલ એરેસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ.
UPI અને લોન સંબંધી છેતરપિંડી.
પાર્ટ-ટાઇમ જોબ અને ગેમિંગ ફ્રોડ.
આરોપીઓ ભાડાના અથવા કમિશન પર લીધેલા બેંક ખાતાઓનો ઉપયોગ કરી નાણાં મેળવતા અને ત્યારબાદ એટીએમ કે ચેક દ્વારા રોકડ ઉપાડી લઈ ગુનાને અંજામ આપતા હતા.
મુદ્દામાલની જપ્તી
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની પોલીસ ટીમ દ્વારા આરોપીઓ પાસેથી નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે.
૧૧ મોબાઈલ ફોન
૧૨ અલગ-અલગ બેંકની ચેકબુક
૦૫ પાસબુક
૩૯ ડેબિટ કાર્ડ
૦૧ ડેલ લેપટોપ
૧૦ ક્યુઆર (QR) કોડ
સાયબર સેલની એડવાઈઝરી
સાયબર સેલ દ્વારા જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
કોઈપણ લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટની વિગત અન્ય કોઈને આપવી નહીં.
કમિશનની લાલચમાં પોતાના નામે ખાતું ખોલાવી બીજાને વાપરવા આપવું એ ગુનો છે.
જો તમે સેક્ટોર્શન કે ડિજિટલ એરેસ્ટ જેવા સાયબર ફ્રોડનો ભોગ બનો, તો ડર્યા વગર તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો.