ગાંધીનગર,
રાજ્યમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા માટે ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’
દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંક લિમિટેડની કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરીને 7.34 કરોડની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કેસમાં અમદાવાદ અને મહારાષ્ટ્રમાંથી કુલ 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.આ સાયબર માફિયાઓએ બેન્કની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લીધા હતા.
ગાંધીનગરમાં ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ એસપી ડૉ રાજદિપસિંહ ઝાલાએ કહયુ હતું કે બેંકના CBS (Core Banking Service) સોફ્ટવેરમાં રહેલી ખામીનો લાભ લઈને આરોપીઓએ બેંકના ખાતાઓમાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આરોપીઓએ જૂના 4 ખાતાઓને ટાર્ગેટ બનાવી તેમાં રજિસ્ટર્ડ ફોન નંબર બદલી પોતાના નંબર એક્ટિવ કર્યા હતા. ત્યારબાદ સોફ્ટવેરમાં ગેરરીતિથી કુલ રૂ. 7.34 કરોડ જેટલી રકમ જનરેટ કરી અલગ અલગ 135 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી નાખી હતી.
આ મામલે તપાસ દરમિયાન આરોપીઓની પુછપરછમાં અને તેઓના મોબાઇલ ફોનની તપાસ કરતાં દેશભરમાં 14થી વધુ બેંકો સાથે સંકળાયેલી માહિતી મળી આવી છે. ડૉ. ઝાલાના જણાવ્યા મુજબ, આરોપીઓ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 15થી વધુ સાયબર ગુનાઓ આચરવામાં આવ્યા છે. જેમાં અંદાજે રૂ. 4 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓની વિગતો
1) અદનાન શેખ (ઉ.વ. 24), સરખેજ, અમદાવાદ
2) રૂબિના અબ્દુલકાદર શેખ (ઉ.વ. 31), ગુપ્તાનગર, વાસણા, અમદાવાદ
3) સુશીલકુમાર વિનોદકુમાર મેઘવાલ (ઉ.વ. 32), રખિયાલ, અમદાવાદ
4) કિશોર પ્રભાકર પરદેશી (ઉ.વ. 43), હાલ મુલુંદ, મુંબઈ
‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ ‘ ની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવી, આર્થિક લાલચ આપી તેનો ઉપયોગ ગેરકાયદે ટ્રાન્ઝેક્શન માટે કરતા હતા.
આ સમગ્ર કૌભાંડમાં કુલ રૂ. 7,34,91,672 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે, એટલે કે આટલી રકમ બેન્કમાંથી ઉપાડી લેવાઈ હતી, જ્યારે પોલીસે અત્યાર સુધીમાં રૂ. 2,04,33,121 ની રકમ ફ્રીઝ (જપ્ત) કરી છે. કેસમાં ઉપયોગમાં લેવાયેલા 4 મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.
સાયબર ક્રાઇમ સેલ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને અન્ય વિદેશના સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે તપીસ કાર્યવાહી ચાલુ છે.