શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા 35 લાખથી વધુના નુકસાનની આશંકા :
બે ફાયર સ્ટેશનના ચારથી વધુ ફાયર ટેન્કરોની મદદથી ભારે જહેમતે આગ કાબુમાં આવી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.19
ફતેપુરા કુંભારવાડા નજીક આવેલી સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં રવિવારેબવહેલી સવારે ભીષણ આગ લાગતા ભારે નાસભાગ મચી ગઇ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં બે ફાયર સ્ટેશનોના ફાયર ફાઈટરોની ટીમે સ્થળ પર પહોંચી બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.

વડોદરા શહેરમાં ગરમીનો પારો ઊંચે ચડતા આગ લાગવાના બનાવોમાં પણ ચિંતા જનક વધારો થઈ રહ્યો છે. તેવામાં વધુ એક આગની ઘટના આજે વહેલી સવારે ફતેપુરા કુંભારવાડા નજીક બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ કુંભારવાડા કાચવાલા હોલની સામે સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાન આવેલી છે. આ દુકાનમાં વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ધુમાડા નીકળતા દુકાનની ઉપર રહેતી બે વ્યક્તિ ફસાઈ ગઈ હતી.

તાત્કાલિક બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રથમ માળે ફસાયેલી બે વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલની ચીજ વસ્તુઓ હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. જેથી પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમને પણ બોલાવાઈ હતી. બે ફાયર સ્ટેશનના ફાયર ફાઈટરોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ત્રણથી વધુ ફાયર ટેન્કરોની મદદથી કામગીરી હાથ ધરાઈ હતી. અઢી કલાક ઉપરાંત બાદ આગ ધીમે ધીમે ઓલવાઈ હતી.

આ અંગે દુકાનના માલિક ભગવાનદાસ ચાંદવાનીએ જણાવ્યું હતું કે, હું સંતકવર કોલોનીમાં રહું છું. ફતેપુરામાં પાંચ વર્ષથી દુકાન ચલાવું છું. દુકાનની ઉપર મારો ભાઈ રહે છે. તેનો પોણા પાંચ વાગ્યાની આસપાસ મારી પર ફોન આવ્યો અને જાણ કરી કે દુકાનમાં આગ લાગી છે. જેથી હું તાત્કાલિક દુકાન પર આવ્યો અને જોયું તો ભયંકર આગ લાગેલી હતી. ચાર ફાયર ટેન્કર અને જીઈબીની ટીમ કામગીરી કરી રહી હતી. આગમાં આશરે 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું લાગે છે.

સર સૈનિક જીજ્ઞેશ કહારે જણાવ્યું હતું કે ફાયર કન્ટ્રોલ રૂમ તરફથી કોલ મળ્યો હતો. જેથી અહીં આવતા આગ વિકરાળ હતી. બેકપ માટે પાણીગેટ ફાયર સ્ટેશનથી ટીમ બોલાવી હતી. દુકાનમાં ઉપર બે માણસ ફસાઈ ગયા હતા. જેમને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ થયેલ નથી. પણ મોટું નુકસાન થયું છે. આગને કાબુમાં લઈ લીધી છે.