ચૂંટણી ટાણે અક્ષય એપાર્ટમેન્ટના રહિશોનો હુંકાર; અશાંત ધારો લાગુ કરો અથવા પરિણામ ભોગવવા તૈયાર રહો’ના સૂર સાથે સોસાયટીમાં લાગ્યા બેનરો



વડોદરા: શહેરના અતિ વ્યસ્ત અને રહેણાંક વિસ્તાર ગણાતા આર.વી. દેસાઈ રોડ પર હવે અશાંત ધારાની માંગણીએ જોર પકડ્યું છે. આ વિસ્તારમાં આવેલા અક્ષય એપાર્ટમેન્ટના રહીશો દ્વારા સોસાયટીની બહાર મોટા બેનરો લગાવીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ માંગણીએ વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
આર.વી. દેસાઈ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી મિલકતોના વેચાણ અને વસ્તીના બદલાતા માળખાને લઈને સ્થાનિક રહીશોમાં ચિંતા જોવા મળી રહી છે. અક્ષય એપાર્ટમેન્ટના રહિશોનું કહેવું છે કે, વિસ્તારની સામાજિક એકતા અને શાંતિ જાળવી રાખવા માટે અહીં અશાંત ધારો લાગુ કરવો અનિવાર્ય છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે જો સમયસર આ કાયદો લાગુ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં આ વિસ્તારની વસ્તીનું સંતુલન બગડી શકે છે અને સામાજિક ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ શકે છે.
રાજ્યમાં જ્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે નાગરિકો પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે મક્કમ બન્યા છે. વડોદરાના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ અગાઉ અશાંત ધારાની માંગણીઓ ઉઠી ચૂકી છે, પરંતુ આર.વી. દેસાઈ રોડ જેવા મુખ્ય વિસ્તારમાં આ પ્રકારે જાહેરમાં બેનરો લાગતા મામલો ગરમાયો છે. બેનરો પર સ્પષ્ટ શબ્દોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી સાથે સ્થાનિકોએ એકતા દર્શાવી છે.
સામાન્ય રીતે અશાંત ધારો જે તે વિસ્તારમાં મિલકતોના હસ્તાંતરણ પર નિયંત્રણ લાવે છે અને કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના મિલકત વેચી શકાતી નથી. રહીશોની આ આક્રમક માંગ બાદ હવે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકાર આ મામલે શું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. શું ચૂંટણી પહેલા તંત્ર આ દિશામાં કોઈ નક્કર પગલાં ભરશે કે પછી સ્થાનિકોનો આ વિરોધ વધુ ઉગ્ર બનશે, તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે. હાલ તો અક્ષય એપાર્ટમેન્ટની બહાર લાગેલા આ બેનરો સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે.