વિશ્વમાં યુદ્ધની રીતો સતત બદલાતી રહી છે. પરંપરાગત યુદ્ધ, પરમાણુ યુદ્ધ અને સાયબર યુદ્ધ પછી હવે એક નવા પ્રકારના ખતરા તરફ ધ્યાન ખેંચાઈ રહ્યું છે, સ્પેસ વોર એટલે કે અંતરિક્ષમાં યુદ્ધ. અમેરિકન સેનાના એક ટોચના અધિકારીએ રશિયા અંગે એવો ગંભીર આરોપ લગાવ્યો છે, જે વૈશ્વિક સુરક્ષાને લઈને ચિંતા વધારનારો છે. અમેરિકન સ્પેસ કમાન્ડના પ્રમુખ જનરલ સ્ટીફન વ્હાઇટિંગે દાવો કર્યો છે કે રશિયા અંતરિક્ષમાં પરમાણુ હથિયાર તૈનાત કરવાની યોજના બનાવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, જો આવું થાય તો પૃથ્વીની નજીકની કક્ષા (Low Earth Orbit)માં ફરતા અનેક દેશોના સેટેલાઈટ માટે મોટો ખતરો ઉભો થઈ શકે છે. આજના સમયમાં સેટેલાઈટ્સ સંચાર, GPS, હવામાન અનુમાન અને સૈન્ય કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આવા હથિયારના ઉપયોગથી આ તમામ સિસ્ટમો એકસાથે ખોરવાઈ શકે છે.
રિપોર્ટ મુજબ, આ પ્રકારનું એન્ટી-સેટેલાઈટ હથિયાર પરમાણુ શક્તિ પર આધારિત હોઈ શકે છે, જે એકસાથે ઘણા સેટેલાઇટને નિષ્ક્રિય કરી શકે છે. જો એવું બને, તો માત્ર એક દેશ નહીં પરંતુ અનેક દેશોની ટેક્નોલોજી અને સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. વિશ્વવ્યાપી સંચાર વ્યવસ્થા પણ ખોરવાઈ શકે છે, જેનો સીધો અસર સામાન્ય લોકોના જીવન પર પણ પડી શકે છે. જનરલ વ્હાઇટિંગે એ પણ સૂચવ્યું છે કે રશિયા અમેરિકા અને NATO દેશોની તુલનામાં સૈન્ય દૃષ્ટિએ દબાણમાં છે, તેથી તે નવી રીતો શોધી રહ્યો છે જેથી તે પોતાની સ્થિતિ મજબૂત કરી શકે. અંતરિક્ષમાં સેટેલાઈટને નિશાન બનાવવાની યોજના પણ આવી જ એક વ્યૂહરચના હોઈ શકે છે.
આ આરોપો વચ્ચે અમેરિકા એ 1967ની Outer Space Treatyની યાદ અપાવી છે. આ આંતરરાષ્ટ્રીય કરારમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે કોઈપણ દેશ અંતરિક્ષમાં પરમાણુ અથવા વિનાશક હથિયારો તૈનાત કરી શકતો નથી. રશિયાએ પણ આ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, એટલે જો આ દાવા સાચા નીકળે તો તે કરારનું ઉલ્લંઘન ગણાશે. હાલમાં આ દાવાઓ અંગે કોઈ ચોક્કસ પુરાવા જાહેર કરવામાં આવ્યા નથી, અને રશિયાની તરફથી પણ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. છતાં, અમેરિકાએ આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લીધો છે અને વૈશ્વિક સ્તરે અંતરિક્ષ સુરક્ષાને લઈને ચર્ચા તેજ બની રહી છે. જો અંતરિક્ષમાં યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય, તો તેની અસર માત્ર દેશો સુધી સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર માનવજાત માટે નવી પડકારજનક સ્થિતિ ઊભી કરી શકે છે.