ગાંધીનગર,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગરમાવા વચ્ચે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સહિતના વરિષ્ઠ નેતાઓએ રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિશ્ના સાથે મુલાકાત કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસે લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે, સત્તાધારી ભાજપના દબાણ હેઠળ રાજ્યનું પોલીસ તંત્ર કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી-ધમકાવીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કરી રહ્યું છે. આચારસંહિતા અમલમાં હોવા છતાં પોલીસ અને અધિકારીઓ નિષ્પક્ષ કામ કરવાને બદલે ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યા હોય તેમ જણાય છે, તેથી કોંગ્રેસના ઉમેદવારોને તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ભાજપના ‘ઓપરેશન લોટસ’ સામે કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’
આ વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ એક પછી એક બેઠકો પર બિનહરીફ વિજેતા બની રહ્યું છે, જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઉમેદવારોના ‘હોર્સ ટ્રેડિંગ’ની ભીતિ વચ્ચે કોંગ્રેસે ‘ઉમેદવાર બચાવો અભિયાન’ શરૂ કર્યું છે. ભાજપના કહેવાતા ‘ઓપરેશન લોટસ’ સામે કોંગ્રેસે ‘મિશન અજ્ઞાત’ અમલમાં મૂક્યું છે, જેમાં નવા ઉમેદવારોને અજાણ્યા સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
ભાજપ દ્વારા એક પછી એક બેઠકો બિનહરીફ કરવામાં આવી રહી છે ત્યારે કોંગ્રેસમાં ‘કુંભાણી ફોબિયા’ જેવો માહોલ સર્જાયો છે. નિલેશ કુંભાણી પ્રકરણમાંથી પાઠ ભણીને કોંગ્રેસે હવે ‘મિશન અજ્ઞાત’ શરૂ કર્યું છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી કોઈ ઉમેદવાર ભાજપના સંપર્કમાં ન આવે તે માટે અનેક જિલ્લાના નવા ઉમેદવારોના ફોન બંધ કરાવી તેમને અજાણ્યા સ્થળે મોકલી દેવાયા છે.
કઈ પાલિકાના કેટલા ઉમેદવારો ‘ભૂગર્ભ’માં?
કોંગ્રેસે સુરક્ષાના ભાગરૂપે રાજ્યની મુખ્ય નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના ૧૯૦ જેટલા ઉમેદવારોને સેફ હાઉસમાં ખસેડ્યા છે.• સુરત અને રાજકોટ: બંને શહેરોના ૪૦-૪૦ મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલાયા છે.• પોરબંદર અને નવસારી: અહીં પણ ૩૫-૩૫ ઉમેદવારોને તોડજોડની આશંકાએ હાઈકમાન્ડના આદેશથી ખસેડવામાં આવ્યા છે.• કલોલ: ૨૦ જેટલા ઉમેદવારોને સુરક્ષિત સ્થાને મોકલાયા છે, કારણ કે અહીં ચૂંટણી પહેલા જ ભાજપની ૪ બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે.
સુરતમાં કડક કિલ્લેબંધી: ૧૧ સિક્રેટ લોકેશન અને શેડો કાર્યકરો
સુરતમાં કોંગ્રેસે સૌથી વધુ તકેદારી રાખી છે. ૪૦ ઉમેદવારોને ૧૧ અલગ-અલગ સિક્રેટ લોકેશન પર રાખવામાં આવ્યા છે. ઉમેદવારોના મોબાઈલ જમા કરી લેવાયા છે અને પરિવાર સાથેના સંપર્ક પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, દરેક ઉમેદવાર સાથે બે ગુપ્ત ‘શેડો’ કાર્યકરો તૈનાત કરવામાં આવ્યા છે જે સતત નજર રાખી રહ્યા છે. નવસારીમાં ૪૨ બેઠકો અને કલોલમાં ૪ બેઠકો બિનહરીફ થતા કોંગ્રેસની ચિંતામાં મોટો વધારો થયો છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે ફોર્મ ખેંચવાની મુદત પૂર્ણ થયા બાદ ‘મિશન અજ્ઞાત’ કેટલું સફળ રહે છે અને પિક્ચર કેટલું ક્લિયર થાય છે.
મહત્વપૂર્ણ છે કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આવી સ્થિતિમાં અંતિમ ઘડીએ રાજકીય દબાણ અથવા તોડજોડ અટકાવવા કોંગ્રેસ દ્વારા આ ‘મિશન અજ્ઞાત’ અમલમાં મૂકાયું છે. આ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ‘ઓપરેશન લોટસ’ સામે ‘મિશન અજ્ઞાત’ વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી રહી છે, જેના કારણે રાજ્યનું રાજકારણ વધુ ગરમાયું છે.