India

ઉત્તર પ્રદેશમાં ‘રીલબાજ’ પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી

હવે સોશિયલ મીડિયા સ્ટંટ ભારે પડશે:ડ્યૂટી દરમિયાન રીલ બનાવતા પોલીસકર્મીઓ પર વિભાગીય એક્શન, દર મહિને મોકલાશે રિપોર્ટ

Uttar Pradesh પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પર રીલ અને વીડિયો બનાવતા પોલીસકર્મીઓ સામે હવે કડક વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પોલીસકર્મીઓ દ્વારા યુનિફોર્મમાં રીલ્સ બનાવવાના અને સોશિયલ મીડિયા પર વાયરલ થવાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. જેના કારણે વિભાગની છબી અને શિસ્ત અંગે સવાલો ઊભા થઈ રહ્યા હતા. હવે આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, પોલીસ વિભાગે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે ડ્યૂટી દરમિયાન અથવા યુનિફોર્મમાં સોશિયલ મીડિયા માટે રીલ્સ, શોર્ટ વીડિયો અથવા અનધિકૃત કન્ટેન્ટ બનાવનાર પોલીસકર્મીઓ સામે સીધી વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, આવા મામલાઓની દર મહિને રિપોર્ટ પણ ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલવામાં આવશે.અહેવાલો અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન અનેક પોલીસકર્મીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કેટલાક પોલીસકર્મીઓ ફિલ્મી ગીતો પર રીલ બનાવતા જોવા મળ્યા હતા તો કેટલાક પોલીસ સ્ટેશન, સરકારી વાહનો અથવા ડ્યૂટી સ્થળ પર વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. આ મામલાઓને લઈને સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા થઈ હતી અને લોકો દ્વારા પોલીસની કાર્યપદ્ધતિ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે પોલીસની નોકરી ખૂબ જ જવાબદારીપૂર્ણ અને શિસ્તબદ્ધ છે. આવી સ્થિતિમાં યુનિફોર્મમાં મનોરંજન માટે વીડિયો બનાવવું અથવા સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાનો પ્રયાસ કરવો વિભાગની છબીને નુકસાન પહોંચાડી શકે છે. તેથી હવે આવા વર્તન સામે કડક નિયંત્રણ જરૂરી બની ગયું છે.એટલુજ નહી નવી ગાઈડલાઈન મુજબ, દરેક જિલ્લામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સોશિયલ મીડિયા પર નજર રાખવા અંગે ની પણ સૂચના આપવામાં આવી છે. જો કોઈ પોલીસકર્મી નિયમોનો ભંગ કરતા જોવા મળશે તો તેના સામે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવશે. ગંભીર મામલાઓમાં સસ્પેન્શન અથવા અન્ય કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, દર મહિને જિલ્લાવાર રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે. જેમાં સોશિયલ મીડિયા પર પોલીસકર્મીઓની પ્રવૃત્તિઓ, નિયમભંગના કેસ અને લેવામાં આવેલી કાર્યવાહીનો ઉલ્લેખ રહેશે. આ પગલાંથી પોલીસ વિભાગમાં વધુ શિસ્ત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ અને શોર્ટ વીડિયોની લોકપ્રિયતા ખૂબ વધી છે. સામાન્ય લોકો સાથે સાથે સરકારી કર્મચારીઓ પણ તેમાં સક્રિય જોવા મળી રહ્યા છે. જોકે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ જેવી સંવેદનશીલ સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ માટે ખાસ શિસ્તના નિયમો લાગુ પડે છે. તેથી પોલીસ વિભાગ હવે આવા મામલાઓને ગંભીરતાથી લઈ રહ્યો છે.

ઘણા લોકો દ્વારા પોલીસ વિભાગના આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સનું કહેવું છે કે પોલીસકર્મીઓએ પોતાની ફરજ પર વધુ ધ્યાન આપવું જોઈએ અને સોશિયલ મીડિયા લોકપ્રિયતાથી દૂર રહેવું જોઈએ. જ્યારે કેટલાક લોકો માને છે કે મર્યાદિત અને શિસ્તબદ્ધ રીતે સોશિયલ મીડિયા ઉપયોગમાં કોઈ ખોટ નથી. જોકે વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ડ્યૂટી અને વિભાગની ગૌરવ સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય હવે અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણ બની શકે છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોમાં પણ યુનિફોર્મમાં રીલ્સ બનાવતા પોલીસકર્મીઓના વીડિયો વાયરલ થતા રહ્યા છે.
હાલ પોલીસ વિભાગના આદેશ બાદ હવે તમામ જિલ્લાઓમાં પોલીસકર્મીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે. સાથે જ આગામી દિવસોમાં આ નિયમોનું કડક પાલન કરાવવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top