ઉમરગામ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ખૂબ જ હેરાન કરનારા સમાચાર સામે આવ્યા છે. ઉમરગામના મામલતદાર ચૂંટણી અધિકારી ડી. સી. બ્રાહ્મણકાચ્છે ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમરગામ તાલુકાના મામલતદાર દલપતભાઈ છોટુભાઈ બ્રાહ્મણકાચ્છ (ઉં. 57 હાલ રહે વલસાડ અબ્રામા મૂળ રહેવાસી ધરમપુર) રિટર્નિંગ ઓફિસર ચૂંટણી અધિકારી તરીકે ફરજમાં હતા. તેઓએ સોમવારે રાત્રે આશરે પોણા બારેક વાગ્યાના સુમારે ઉમરગામ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એકના ટ્રેક પર ઉમરગામથી વાપી તરફ પસાર થતી ટ્રેનમાં કોઈક કારણસર પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતા જ ઉમરગામ પોલીસ તથા વાપી રેલવે પોલીસ ઉમરગામ પોલીસ સ્ટેશનના પીઆઇ, પીએસઆઇ, પોલીસ સ્ટાફ, ઉમરગામ મામલતદાર કચેરીનો સ્ટાફ, જિલ્લાના ઉચ્ચ અધિકારી કલેક્ટર, પ્રાંત અધિકારી, ડીવાયએસપી વિગેરે ઉમરગામ રેલવે સ્ટેશને દોડી આવ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર વલસાડ જિલ્લા અને ઉમરગામ તાલુકામાં દુઃખની લાગણી પ્રસરી જવા પામી હતી. વાપી રેલવે પોલીસે ઘટના સ્થળેથી મળી આવેલ મૃતક મામલતદારનો મોબાઇલ ફોન કબજે લીધો છે. જો કે કોઈ સ્યુસાઇડ નોટ મળી છે કે કેમ તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં વાપી રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- રાત્રે 11 વાગ્યા સુધીમાં ફોર્મ રદ કરવું કે માન્ય રાખવુ તે અંગે નિર્ણય સંભળાવાના હતા
ચાલતી ચર્ચા મુજબ સોમવારે તારીખ 13 મી એપ્રિલના રોજ ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રકોની ચકાસણી કરવામાં આવી રહી હતી. તે વખતે સરીગામ તાલુકા પંચાયતની બેઠકના ભાજપના ઉમેદવાર દીપક મિસ્ત્રીના અધિકૃત વ્યક્તિએ અપક્ષ ઉમેદવાર રાકેશ રાય સામે વાંધો ઉઠાવી ફોર્મ રદ કરવાની માંગણી કરી હતી. અપક્ષ ઉમેદવાર રાકેશ રાયને વર્ષ 2022 માં વાપીની સેશન્સ કોર્ટે એક ગુનામાં ત્રણ વર્ષની સજા ફટકારેલી હોય આ કારણ આગળ ધરી ઉમેદવારી પત્રક રદ કરવાની માંગણી કરી હતી. જેને લઈને આ બંને ઉમેદવારો અને તેમના વકીલોએ ચૂંટણી અધિકારી મામલતદાર ડી સી બ્રાહ્મણકાચ્છ સામે ઉમેદવારી બાબતે દલીલો કરી હતી. અને આ મામલે ભારે રાજકીય ગરમાવો છવાયેલો જોવા મળ્યો હતો. આ તરફ ચૂંટણી અધિકારી દલપતભાઈએ રાત્રે 11 વાગ્યા સુધીમાં ફોર્મ રદ કરવું કે માન્ય રાખવુ તે અંગે નિર્ણય સંભળાવશે એવુ જણાવ્યું હતું.
- ચૂંટણીની કામગીરીના તણાવમાં પગલું ભર્યાની ચર્ચા
રાત્રે નવેક વાગ્યાના સમયે મામલતદાર ઉમરગામ અકરા મારુતિ સામે આવેલી બિલ્ડીંગમાં તેઓ એપેક્સ બિલ્ડીંગના ફ્લેટમાં ઘરે ગયા હતા. રાત્રે દસેક વાગ્યા સુધી કચેરીના સ્ટાફ સાથે તેઓની વાત પણ થઈ હતી પરંતુ તે પછી તેઓ ફોન રિસીવ કરતા ન હતા અને રાત્રે ઉમરગામ રેલવે સ્ટેશને ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી લીધી હોવાની જાણ થઇ હતી. ચૂંટણીની કામગીરી અને માનસિક તણાવ દબાણના કારણે તેમને આ પગલું ભર્યું હોવાની ચર્ચા છે. ઉમરગામ મામલતદાર કચેરી ખાતે દલપતભાઈ બ્રાહ્મણકાચ્છ મામલતદાર તરીકે છેલ્લા પંદરેક મહિનાથી ફરજ બજાવતા હતા. તેઓ ખૂબ જ સારા અધિકારી તરીકે જાણીતા હતા.