ગાંધીનગર,તા.14 રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ પ્રશિક્ષણ ક્ષેત્રે દેશની અગ્રણી સંસ્થા, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ખાતે આજે ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના ગરિમામય અધ્યક્ષસ્થાને પાંચમો પદવીદાન સમારોહ સંપન્ન થયો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પદવીદાન સમારોહમાં રાષ્ટ્રપતિના હસ્તે અજીત ડોવાલને તેમની રાષ્ટ્ર પ્રત્યેની અપ્રતિમ સેવાઓ બદલ ‘માનદ ડોક્ટરેટ’ની પદવી એનાયત કરવામાં આવી હતી.
દીક્ષાંત પ્રવચન આપતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે, સુરક્ષા માટે જરૂરી શસ્ત્રો અને સાધનોના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બને તે દિશામાં સરકાર નક્કર પ્રયાસો કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતા સમયમાં સુરક્ષા માત્ર ભૌગોલિક સીમાઓ પૂરતી સીમિત નથી, પરંતુ સાયબર સુરક્ષા અને ડેટા સુરક્ષા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. ડિજિટલ યુગના પડકારો સામે લડવા માટે દેશને એવા ટેકનોસેવી પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતોની જરૂર છે જે આધુનિક ગુનાઓને ઉકેલવા સક્ષમ હોય. રાષ્ટ્રપતિશ્રીએ સુરક્ષા દળો દ્વારા નક્સલવાદ વિરુદ્ધ મેળવેલી સફળતાને બિરદાવતા કહ્યું કે, જે વિસ્તારોમાં પહેલા ભય હતો ત્યાં આજે શાંતિ સાથે રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે.
તેમણે વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો કે રક્ષા અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થિનીઓ મેડલ મેળવવામાં અગ્રેસર રહી છે, જે વિકસિત ભારતનું સબળ ચિત્ર રજૂ કરે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવીધારક યુવાનોને દેશભક્તિના સંકલ્પ સાથે રાષ્ટ્રીય સુરક્ષાના મિશનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે સંસ્થાનું સ્વપ્ન જોયું હતું તે આજે રાષ્ટ્રના સંરક્ષણમાં પાયાનું યોગદાન આપી રહી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કહયું હતું કે પીએમ નરેન્દ્ર મોદી શિક્ષણને વ્યક્તિગત ઉન્નતિને બદલે સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો પ્રભાવી આધાર માને છે. તેમણે પદવી મેળવનારા તમામ 562 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે દેશ માટે સમર્પિત રહેવા પ્રેરણા આપી હતી.
માનદ ડોક્ટરેટની પદવી સ્વીકારતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલે સુરક્ષાને એક જટિલ વિષય ગણાવતા કહ્યું કે, સુરક્ષાના ક્ષેત્રમાં ‘સિલ્વર મેડલ’ જેવું કંઈ હોતું નથી; અહીં કાં તો વિજય મળે છે અથવા પરાજય. તેમણે યુવા દિક્ષાર્થીઓને આધુનિક પડકારોનો સામનો કરવા સતત સજ્જ રહેવા અને રાષ્ટ્ર સેવામાં સંપૂર્ણ ક્ષમતા સાથે જોડાવા આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંડી સંજય કુમારે પણ આ અવસરે વિદ્યાર્થીઓને રાષ્ટ્રની ન્યાય પ્રણાલીના સંરક્ષક બનવાના સંકલ્પ લેવડાવ્યા હતા. યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર ડૉ. બિમલ પટેલે પ્રગતિ અહેવાલ રજૂ કરતા જણાવ્યું હતું કે RRU સાયબર રીજિલિયન્સ અને કોસ્ટલ વિજિલન્સ જેવા આધુનિક અભ્યાસક્રમો દ્વારા દેશની આંતરિક સુરક્ષાને વધુ લોખંડી બનાવી રહી છે. આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 562 વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની પદવીઓ એનાયત કરવામાં આવી હતી.