દેશવાસીઓ પર મોંઘવારીનો વધુ એક બોજ
વડોદરા : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવની સીધી અસર હવે ભારતીય જનતાના ખિસ્સા પર પડી છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે ₹3 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર વધતા નાણાકીય ભારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જેના કારણે ભારત જેવા આયાત આધારિત દેશો પર દબાણ વધી રહ્યું હતું.
દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હવે ₹97.77 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ₹90.67 પ્રતિ લીટર સુધી પહોંચ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અન્ય શહેરોમાં પણ નવા દર જાહેર કરવામાં આવ્યા છે.
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ તાજેતરમાં ચેતવણી આપી હતી કે જો પશ્ચિમ એશિયામાં તણાવ લાંબો સમય ચાલુ રહેશે તો ભારતમાં ઇંધણના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.
ઇંધણના ભાવ વધતાં હવે પરિવહન, ખાદ્ય વસ્તુઓ અને દૈનિક જીવન સાથે જોડાયેલી અનેક સેવાઓ મોંઘી થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વેપારીઓ અને સામાન્ય જનતામાં આ નિર્ણયને લઈને ચિંતા જોવા મળી રહી છે.