

- ટ્રાન્સપોર્ટરની પકડાયેલી ગાડી છોડવા માટે અધિકારીઓએ 55 લાખની માંગણી કરી લાંચનો પેલો હપ્તો મંગાવ્યો હતો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.18
નડિયાદ જી.એસ.ટી. ભવનમાં ફરજ બજાવતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટર 10 લાખની લાંચ લેતા ગાંધીનગર એ.સી.બી.ના હાથે પકડાઈ ગયા છે. ટ્રાન્સપોર્ટની ગાડીના કાગળોમાં ક્ષતિ બતાવી અધિકારીઓએ મસમોટી લાંચની માંગણી કરી હતી. એ.સી.બી.એ છટકું ગોઠવી બંને અધિકારીઓને લાંચની રકમ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
નડિયાદમાં સેન્ટ્રલ જી.એસ.ટી. ભવન ખાતે લાંચિયા અધિકારીઓ પર એ.સી.બી.એ તવાઈ બોલાવી છે. બનાવની વિગતો મુજબ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરતા એક વેપારીની ગાડી અધિકારીઓએ પકડીને ઓફિસ ખાતે લાવ્યા હતા. આ ગાડી છોડાવવા માટે અધિકારી અમરનાથ સરોજ અને સુબોધ ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે વહીવટ કરવાનું નક્કી કર્યું હતું. બંને આરોપીઓએ વેપારી પાસે ગાડી છોડવાના બદલામાં 55 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. લાંબી ચર્ચાઓ બાદ પ્રથમ હપ્તા તરીકે 10 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. વેપારીએ આ બાબતે એ.સી.બી.નો સંપર્ક સાધતા ગાંધીનગર એ.સી.બી.ની ટીમે ટ્રેપ ગોઠવી હતી. શનિવારના રોજ ફરીયાદી જ્યારે નક્કી થયા મુજબ 10 લાખની રોકડ રકમ લઈને સેન્ટ્રલ જી.એસ.ટી.ની ઓફિસે પહોંચ્યા ત્યારે આરોપી સુપ્રિટેન્ડન્ટ અમરનાથ સરોજ અને ઇન્સ્પેક્ટર સુબોધ ચૌહાણે નાણાં સ્વીકાર્યા હતા. એ.સી.બી.ના અધિકારીઓએ તાત્કાલિક દરોડો પાડી બંનેને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી લાંચની તમામ રકમ જપ્ત કરવામાં આવી છે અને સ્થળ પર જ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
આ સફળ ટ્રેપિંગ ગાંધીનગર એ.સી.બી.ના મદદનીશ નિયામક એ.કે. પરમાર અને તેમની ટીમ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. નડિયાદ જેવી મહત્વની ઓફિસમાં ક્લાસ-2 ના બે અધિકારીઓ મસમોટી લાંચ લેતા ઝડપાતા વિભાગના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી આગળની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવશે.