ગાંધીનગર,
ગુજરાતમાં આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ રાજ્યનું રાજકીય ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં કુલ ૭૩૦ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. નોંધનીય છે કે ગત ચૂંટણીમાં ૨૨૯ બેઠકો બિનહરીફ થઈ હતી, જેની સરખામણીએ આ વખતે આ આંકડો ત્રણ ગણો વધારે છે.
મહાનગરપાલિકા અને નગરપાલિકાની સ્થિતિ
રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓમાં કુલ ૪૩ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે અને આ તમામ બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે નગરપાલિકાઓની વાત કરીએ તો, કુલ ૩૮૫ બેઠકો બિનહરીફ થઈ છે, જેનું વિભાજન નીચે મુજબ છે.
- ભાજપ: ૩૭૦ બેઠકો
- કોંગ્રેસ: ૧૨ બેઠકો
- અપક્ષ: ૦૩ બેઠકો
પંચાયતોમાં ભાજપનું એકચક્રી શાસન
જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ ભાજપે વિરોધ પક્ષોનો સફાયો કર્યો છે. પંચાયત સ્તરે કુલ ૩૦૨ બેઠકો બિનહરીફ થઈ છે. - જિલ્લા પંચાયત: ૫૧ બેઠકો બિનહરીફ (તમામ ભાજપના ફાળે).
- તાલુકા પંચાયત: ૨૫૧ બેઠકો બિનહરીફ (તમામ ભાજપના ફાળે).
અનેક બેઠકો પર વિપક્ષી ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ભાજપને સીધો ફાયદો થયો છે. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ વધુ મજબૂત બની હોવાના સંકેતો આ બિનહરીફ બેઠકો પરથી મળી રહ્યા છે.હવે બાકી રહેલી બેઠકો માટે આગામી ૨૬ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મતદાન બાદ ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતગણતરી થશે અને સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે. જોકે, ચૂંટણી પૂર્વે જ ૭૩૦ થી વધુ બેઠકો જીતીને ભાજપે વિપક્ષો સામે મોટી સરસાઈ મેળવી લીધી છે.