ગાંધીનગર,
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં વિરાટ જનસભાઓને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીએ રાજ્યની પારદર્શક કાર્યશૈલી અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા પરિવર્તનને જનતા સમક્ષ રજૂ કર્યું હતું.
વિકાસની રાજનીતિ અને સુશાસન
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભાજપા સરકાર હંમેશા પ્રજાના પ્રતિભાવોના આધારે કાર્યરત રહી છે. આજે લોકોમાં સુશાસન પ્રત્યે જે અતૂટ વિશ્વાસ છે, તે ભાજપના કાર્યકરોની સતત પ્રજાની વચ્ચે રહેવાની મહેનતનું પરિણામ છે.” તેમણે ઉમેર્યું કે હવે ચૂંટણીઓમાં જ્ઞાતિવાદ કે પરિવારવાદને કોઈ સ્થાન નથી, જનતા માત્ર ‘વિકાસની રાજનીતિ’ને જ સ્વીકારે છે.
ડાર્ક ઝોનથી સેમિકન્ડક્ટર હબ સુધીની સફર
ઉત્તર ગુજરાતની ભૂતકાળની સ્થિતિનો ઉલ્લેખ કરતાપટેલે કહ્યું હતું કે,
- પરિવર્તન: કોંગ્રેસના શાસનમાં રોડ, વીજળી અને પાણીની અછત હતી, પરંતુ આજે ૨૪ કલાક વીજળી અને ખેતી માટે દિવસે વીજળી ઉપલબ્ધ છે.
- ઔદ્યોગિક ક્રાંતિ: રાજ્યમાં MSME ઉદ્યોગો ૧.૮૩ લાખથી વધીને ૨૭ લાખને પાર કરી ગયા છે. આજે સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે.
- બજેટમાં વધારો: ગુજરાતનું બજેટ ૩૦ હજાર કરોડથી વધીને આજે ૪ લાખ કરોડ સુધી પહોંચ્યું છે, જે ગુજરાતને દેશનું ‘ગ્રોથ એન્જિન’ બનાવે છે.
છેવાડાના માનવીનો વિકાસ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભાજપનો મુખ્ય ધ્યેય માત્ર મોટા શહેરોનો જ નહીં, પણ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાનો છે. છેલ્લા ત્રણ વર્ષમાં હિંમતનગર વિધાનસભા વિસ્તારમાં જ ૫૦૦ કરોડથી વધુના વિકાસના કામો થયા છે. આવાસ યોજના, આયુષ્માન કાર્ડ (૧૦ લાખની મફત સારવાર) અને કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓએ ગરીબ પરિવારોને મુખ્યધારામાં લાવ્યા છે. DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) ના કારણે વચેટિયાઓ નાબૂદ થયા છે અને લાભ સીધો નાગરિકોના ખાતામાં પહોંચી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત મેદનીને ૨૬ એપ્રિલે જંગી મતદાન કરવા અને ભાજપના તમામ ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી, જેથી વિકાસની આ વણથંભી યાત્રા વધુ વેગવંતી બને.