Gujarat

બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો

અમદાવાદ: ગુજરાતના સાણંદમાંથી બિહારના નવનિયુક્ત મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. સાણંદ પોલીસે ટેકનિકલ સોર્સિસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસના સંકલનથી આ ઓપરેશન પાર પાડ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી શેખર યાદવે બિહારના મુખ્યમંત્રીના પીએને મોબાઈલ ફોન દ્વારા કોલ કરીને મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર મામલે બિહારના મુંગેર જિલ્લામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ધમકી આપ્યા બાદ આરોપીનું લોકેશન ગુજરાતમાં ટ્રેસ થતા બિહાર પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ સાણંદ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી શેખર યાદવને સાણંદ-કડી રોડ પરથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી મૂળ બિહારના બાંકા જિલ્લાનો રહેવાસી છે અને હાલ સાણંદના નિધરાડ ગામમાં આવેલી એક ડ્રાયપોર્ટ કંપનીમાં મજૂરી કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. હાલ તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાણંદ પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો બિહાર પોલીસને સોંપ્યો છે. આરોપીએ આ ધમકી કયા કારણોસર આપી હતી અને તેની પાછળ અન્ય કોઈનું ષડયંત્ર છે કે કેમ, તે દિશામાં બિહાર પોલીસે વધુ તપાસ તેજ કરી છે.

Most Popular

To Top