ગાંધીનગર: ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. રાજયના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ જમીન ફાળવણી શાખાના નાયબ મામલતદાર અને એક નિવૃત્ત પટાવાળાને રૂ. 4,50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેતા સરકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા જેવી નિઃશુલ્ક સેવા માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
આ કેસની વિગત મુજબ, ફરિયાદીના નજીકના સગાનું મકાનનું પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે કલેક્ટર કચેરીની જમીન ફાળવણી શાખામાં અરજી કરવામાં આવી હતી. પ્રોપર્ટી કાર્ડ કાઢવા માટે સાનુકૂળ અભિપ્રાય આપવા અને કાગળોમાં કોઈ ક્ષતિ ન કાઢવા બદલ નાયબ મામલતદાર બિપીનચંદ્ર પરમાર વતી નિવૃત્ત પટાવાળા દિનેશ વાળંદે રૂ. 9,50,000/- ની તોતિંગ લાંચની માંગણી કરી હતી. આ રકમ પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. 4,50,000/- અત્યારે આપવાનું નક્કી થયું હતું.ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેને આધારે તા. 17/04/2026 ના રોજ ગાંધીનગર કોર્ટના પાર્કિંગ પાસે રોડ ઉપર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ફરિયાદીની ગાડીમાં જ્યારે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. 4,50,000/- સ્વીકાર્યા, ત્યારે જ સતર્ક એસીબીની ટીમે બંનેને રંગે હાથે ઝડપી લીધા હતા. એસીબી દ્વારા લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરવામાં આવી છે અને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત ગેરવર્તણૂક બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રોપર્ટી કાર્ડ જેવી સામાન્ય કામગીરી કે જે ખરેખર મફતમાં કરી આપવાની હોય છે, તેમાં આટલી મોટી રકમની માંગણી થતા ભ્રષ્ટ અધિકારીઓની માનસિકતા ખુલ્લી પડી છે.
ઝડપાયેલા આરોપીઓની વિગત
૧. બિપીનચંદ્ર ખેમચંદભાઇ પરમાર – નાયબ મામલતદાર, વર્ગ-૩, જમીન ફાળવણી શાખા, કલેક્ટર કચેરી, ગાંધીનગર.
૨. દિનેશ બુધાલાલ વાળંદ – નિવૃત્ત પટાવાળા (વચેટીયા તરીકેની ભૂમિકા).