Enter ad co
de here

What’s Hot

More Posts

   The Latest

Most Popular

ચૂંટણી ફોર્મ ખેંચવા મુદ્દે બંને પક્ષના ટોળા સામસામે આવી જતા પોલીસ દોડતી થઈ: કોંગ્રેસ ઉમેદવાર સતીષ જાદવને સુરક્ષિત સ્થળે ખસેડાયા

(પ્રતિનિધિ) નડિયાદ, તા.15
મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મોટી બબાલ થઈ હતી. કનીજ જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવવા બાબતે ચાલી રહેલી ખેંચતાણ હિંસક વળાંક લેતા બંને પક્ષના લોકોએ મર્યાદા ઓળંગી ખુલ્લા હાથની મારામારી કરી હતી. પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો અને ઉમેદવારને રક્ષણ પૂરું પાડી સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી.
મહેમદાવાદ તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીના ગરમાવા વચ્ચે નેનપુરના રહેવાસી સતીષ સોમભાઈ જાદવે કોંગ્રેસના મેન્ડેડ સાથે કનીજ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. સતીષ જાદવના પિતા સોમભાઈ ભૂતકાળમાં સરપંચ તરીકે સેવા આપી ચૂક્યા હોવાથી વિસ્તારમાં તેમનો નોંધપાત્ર દબદબો અને લોકચાહના જોવા મળે છે. આ લોકચાહના ભાજપ માટે ચિંતાનો વિષય બની હોય તેમ રાજકીય ચર્ચાઓ ચાલી રહી હતી. જેને પગલે આજે ફોર્મ ખેંચવાના અંતિમ કલાકોમાં સતીષ જાદવનું ફોર્મ પરત ખેંચાવવા માટે મામલતદાર કચેરી ખાતે ભારે રાજકીય જહેમત અને દબાણની સ્થિતિ સર્જાઈ હતી.
મામલતદાર કચેરી પરિસરમાં મોટી સંખ્યામાં બંને રાજકીય પક્ષના કાર્યકરો એકઠા થયા હતા. ફોર્મ પરત ખેંચવાની બાબતે ચાલી રહેલી રકઝક દરમિયાન અચાનક વાતાવરણ તંગ બન્યું હતું અને બંને પક્ષના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં આ વિવાદ ઉગ્ર બન્યો હતો અને કાર્યકરોએ પક્ષની ગરિમા નેવે મૂકી એકબીજા પર હુમલો કરી દીધો હતો. આ ઘર્ષણ એટલું ઉગ્ર હતું કે કાર્યકરોએ અપશબ્દો બોલી સામસામે ઝપાઝપી કરી હતી, જેમાં કેટલાક લોકોના કપડાં પણ ફાટી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઘટના સ્થળે હાજર પોલીસ કાફલાએ તાત્કાલિક હરકતમાં આવી બંને પક્ષના ટોળાને વિખેરવા લાઠીઓ વીંઝી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. કોઈ મોટી અઘટિત ઘટના ન બને તે માટે કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ હોબાળા વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર સતીષ જાદવને પોલીસે સુરક્ષિત રીતે બહાર કાઢી અન્ય સ્થળે ખસેડ્યા હતા. ગુજરાતભરમાં ભાજપ દ્વારા ખેલાતા રાજકીય દાવપેચ વચ્ચે નડિયાદ બાદ મહેમદાવાદમાં પણ કોંગ્રેસે પોતાના કાર્યકરો અને ઉમેદવારોને સુરક્ષિત રાખવા માટે અજ્ઞાતવાસમાં મોકલવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

To Top