Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યના માહિતી વિભાગ દ્વારા વર્ગ ૧ અને ૨ની ભરતી પ્રક્રિયાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે માહિતી ખાતાની વર્ગ ૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા ઉપર મનાઈ હુકમ ફરમાવ્યો છે. માહિતી ખાતા દ્વારા વર્ગ ૧ અને ૨ ની ભરતી પ્રક્રિયા સામે સવાલ ઊભા કરતા કેટલાક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ ફરીથી લેવા અને વેઇટિંગ લિસ્ટ બનાવવાની માંગણી સાથે ભરતી પસંદગી યાદીને સ્ટે કરવા હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ ભરતી પ્રક્રિયામાં હાલ કોઈને પણ નિમણૂક આપવામાં આવે નહીં. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગના ઠરાવ મુજબ ભરતી પ્રક્રિયામાં 20 ટકા વેટિંગ લિસ્ટ બનાવવું જોઈએ. જો કે આ ભરતી પ્રક્રિયામાં આ મુજબનો વેટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું નથી. ઇન્ટરવ્યૂ પેનલમાં દર વખતે સભ્યોની અલગ-અલગ સંખ્યા હોવાની અરજદારે રજૂઆત કરી હતી.

હાઇકોર્ટે રાજ્ય સરકાર, માહિતી વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ આપી છે. ભરતી પ્રક્રિયામાં સમાન તકના સિધ્ધાંતનો ભંગ થયો હોવાનું હાઇકોર્ટનું પ્રાથમિક તારણ રજુ કર્યું હતું. વધુમાં ઇન્ટરવ્યૂ પાંચ દિવસ સુધી ચાલ્યા હતા, જેમાં પ્રથમ દિવસે જ પાંચ લોકો પેનલમાં બેઠા હતા. ત્યારબાદ પાંચ લોકો પેનલમાં બેઠા જ નથી. ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિઓ માહિતી ખાતામાં અધિકારીઓ છે. જ્યારે પરીક્ષા આપનાર કેટલાક ઉમેદવારો પણ માહિતી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ જ છે, એટલે તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યુ ફરીવાર લેવામાં આવે.

વધુમાં ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પોતાની ઓળખ જાહેર કરી શકે નહીં, તેમ છતાં ઇન્ટરવ્યૂની પાંચ સભ્યોની પેનલમાંથી એક અધિકારીએ ટવીટ કરીને પોતાની ઓળખ છતી કરી હતી. જેના લીધે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે આ ભરતી પ્રક્રિયા ઉપર મનાઇ હુકમ ફરમાવ્યો હતો.

To Top