Madhya Gujarat

સોજિત્રામાં 6ના મોત બદલ કાર ચાલકને 5 વર્ષની કેદ

આણંદ: સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે 11મી ઓગષ્ટ,2022ના રોજ પુરપાટ ઝડપે જતી કારે ત્રિપલ અકસ્માત સર્જી દીધો હતો. જેમાં રીક્ષામાં સવાર માતા, બે પુત્રી સહિત કુલ છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. આ બનાવની તપાસમાં કાર સોજિત્રાના પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઇ ચલાવતો હતો અને રાજાપાઠમાં હોવાનું ખુલ્યું હતુ. જે સંદર્ભે પોલીસે તેની સામે માનવ વધની કલમ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજુ કર્યો હતો. જ્યાં કોર્ટે તેને પાંચ વર્ષની સખ્ત કેદ અને 5 લાખનો દંડ ફટકાર્યો હતો.

સોજિત્રાના અબ્દુલ અઝીઝ પાર્ક ખાતે રહેતા અબ્દુલરસીદ વ્હોરાના ભાઈ યાસીન વ્હોરાની રીક્ષામાં 11મી ઓગષ્ટ,22ના રોજ રક્ષાબંધનના દિવસે વિપુલ હિંમતભાઈ મિસ્ત્રીના પરિવારજનો ટીમ્બા ગામે રાખડી બાંધવા નિકળ્યાં હતાં. બાદમાં તેઓ પરત ફરી રહ્યાં હતાં. તે સમયે ડાલી પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકની બેદરકારીના કારણે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં યાસીન વ્હોરાની રીક્ષા પણ હડફેટે ચડી ગઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વિપુલભાઈના પત્ની વિણાબહેન, બે પુત્રી જીયા તથા જાનવી સહિત છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં.

આ ઘટનાના પગલે સોજિત્રા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી તે સમયે કાર ચાલક પણ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળ્યો હતો. જેની પુછપરછ કરતાં તે કેતન રમણ પઢીયાર (રહે.ગ્રીન પાર્ક, આણંદ) હોવાનું જણાવ્યું હતુ. આ શખ્સ રાજાપાઠમાં હતો અને પોતે તત્કાલીન ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઇ હોવાનું પણ જણાવ્યું હતું. આ અંગે સોજિત્રા પોલીસે કેતન પઢીયાર સામે માનવ વધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ તપાસના અંતે જરૂરી પુરાવા એકત્ર કરી ચાર્જશીટ રજુ કર્યું હતું.

જ્યાં સરકારી વકીલ સી.સી. દેસાઇની દલીલ, 20 સાહેદોની જુબાની, 53 દસ્તાવેજી પુરાવાને માન્ય રાખી ન્યાયધિશે કેતન પઢીયારને અકસ્માતમાં દોષીત જાહેર કર્યો હતો. કેતન પઢીયારને માનવ વધની કલમ હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત અન્ય કલમ હેઠળ પણ સજા કરી હતી. આ ઉપરાંત ભોગ બનનારના આશ્રીતોને રૂ.75 હજાર વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

એક વર્ષમાં ટ્રાયલ પૂર્ણ કરવા ડાયરેકશન હતું
ડાલી પાસે અકસ્માતમાં છ વ્યક્તિના મોતનો મામલો હાઇકોર્ટે પણ ગંભીરતાથી લીધો હતો અને આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી હાઈકોર્ટે ક્રિમીલ મીસેલીનસ એપ્લીકેશન પર 5મી એપ્રિલ, 22ના રોજ ટ્રાયલ કેસ એક જ વર્ષની અંદર પૂર્ણ કરવાનું ડાયરેક્શન આપ્યું હતું.

કઇ કલમ હેઠળ કેટલી સજા ?
■ આઈપીસી 279 હેઠળ છ માસની સખ્ત કેદની સજા અને એક હજારનો દંડ ફરમાવવામાં આવ્યો છે. જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 15 દિવસની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો છે.
■ આઈપીસી 337 હેઠળ છ માસની સખ્ત કેદની સજા અને રૂ.500નો દંડ ફરમાવવામાં આવ્યો છે. દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 15 દિવસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
■ આઈપીસી 304 ભાગ (2) હેઠળના ગુનામાં પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ.પાંચ લાખનો દંડ ફરમાવવામાં આવ્યો છે. જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 15 માસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે.
■ પ્રોહિબિશન એક્ટની કલમ 66 (1) બી હેઠળના ગુનામાં છ માસની સખત કેદની સજા અને રૂ.500નો દંડ ફરમાવવામાં આવ્યો છે. જો દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ 15 દિવસની સખ્ત કેદની સજા.

Most Popular

To Top