National

રાંચીમાં 15 હજારના પગારદાર નોકરના ઘરમાં 30 કરોડ રોકડા મળ્યાં, અધિકારીઓ ગણતા થાકી ગયા

નવી દિલ્હી: એક તરફ લોકસભા ચૂંટણીનું (Lok Sabha Elections) ત્રીજા તબક્કાનું મતદાન આવતી કાલે 7 મેના રોજ થવાનું છે. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) ઝારખંડમાં (Jharkhand) મોટી કાર્યવાહી કરી હતી. અસલમાં PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ EDએ અડધા ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં EDને મંત્રીના PSના નોકરના ઘરે નોટોનો પહાડ મળ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર EDની આ કાર્યવાહી સસ્પેન્ડેડ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ અને તેના નજીકના લોકોના સ્થળો પર કરવામાં આવી હતી. તેમજ EDએ અનેક રાજનેતાઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતો. જેમાં EDએ ઝારખંડ સરકારના મંત્રી આલમ ગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરેલુ નોકરના ઘર ઉપર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મળેલ રોકડ રૂપિયા 20 થી 30 કરોડની વચ્ચે હોવાનો અંદાજ છે. હાલમાં નોટ ગણવાના મશીનો મંગાવવામાં આવી રહ્યા છે.

નોટો ગણવા માટે મશીન મંગાવ્યું
EDના દરોડામાં મળી આવેલી નોટો ઝારખંડના મંત્રી આલમગીર સાથે જોડાયેલી છે. તેમજ મોટા પ્રમાણમાં નોટો હોવાથી નોટો ગણવા માટે મશીનો મંગાવવામાં આવ્યા હતા. EDનું માનવું છે કે આ નોટો કાળા નાણાંનો એક ભાગ છે. વાસ્તવમાં, ED 10,000 રૂપિયાના લાંચ કેસની તપાસ કરી રહી હતી. આ દરમિયાન, EDને કેટલીક એવી લિંક્સ મળી હતી જે મંત્રી સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું હતું.

EDને માહિતી મળી હતી કે આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. આ પછી EDએ આલમગીરના અંગત સચિવના નોકરના ઘરે દરોડા પાડ્યા અને ત્યાં આટલી રોકડ જોઈને આશ્ચર્ય થયું હતું.

તેમજ હાલ નોટો ગણવા માટે બેંક કર્મચારીઓને નોટ ગણવાની મશીનો સાથે બોલાવવામાં આવ્યા છે. બે વર્ષ પહેલા આ દિવસે ઝારખંડમાં IAS પૂજા સિંઘલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં 17 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદની EDની આ બીજી કાર્યવાહી છે જેમાં EDની ટીમને આટલા મોટા પ્રમાણમાં નોટોનો જથ્થો મળ્યો છે.

થોડા દિવસ પહેલા જ જ્યારે પીએમ મોદી ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ કાર્યવાહી તેમની રેલીના થોડા દિવસો બાદ થઈ છે. જેમાં મોટી રકમની રોકડ મળી આવી છે. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું, ‘ગણતરી થવા દો, આ ગણતરી 50 કરોડ સુધી પહોંચી જશે. સમગ્ર ઝારખંડ સરકાર ભ્રષ્ટાચારમાં ગરકાવ થઇ ચુકી છે.

Most Popular

To Top