Gujarat

ગુજરાતની 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાનમાં, મંગળવારે મતદાન, કાઉન્ટ ડાઉન શરૂ થયું

ગાંધીનગર: રાજ્યમાં સુરત બેઠક બિનહરીફ થઈ જતાં હવે 25 બેઠકોના મહાસંગ્રામ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે સાંજે છ વાગ્યે રાજ્યમાં 25 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે ભાજપ, કોંગ્રેસ તથા આપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર તથા સીધો સંપર્ક કરીને પ્રચાર કરાઈ રહ્યો છે.

  • પ્રચાર પડઘમ શાંત થઈ ગયા, ડોર ટુ ડોર પ્રચારનો સળવળાટ શરૂ
  • ભાજપ સામે 23 બેઠકો પર કોંગ્રેસનો અને બે બેઠકો પર આપનો સીધો જંગ
  • 50788 મતદાન મથકો પર 4.97 કરોડ મતદારો માટે વ્યવસ્થા, સુવિધા સંપન્ન
  • ભાજપ માટે એકમાત્ર ક્ષત્રિયોનો વિરોધ માઈનસ પોઈન્ટ, છતાં મતદારોને પામવા અકળ

આ ઉપરાંત તમામ પક્ષોના ઉમેદવારો, કાર્યકરો બુથ મેનેજમેન્ટમાં વ્યસ્ત થઈ ગયા છે. હવે કોઈ પણ નેતા સીધી રીતે જાહેરસભા કે રેલી કરીને ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. હવે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જ્યાં મતદાન માટેની કાપલી ના પહોંચી હોય તો તે મોકલવાની વ્યવસ્થા કરાઈ રહી છે.

25 બેઠકો પૈકી ભરૂચ અને ભાવનગર બેઠક પર ભાજપ અને આપ આમને સામને છે, જ્યારે બાકીની 23 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

સુરતમાં એક સીટ પર ભાજપ પહેલેથી બિનહરીફ વિજેતા બની ચૂક્યો છે અને હવે બાકીની 25 બેઠકો પર 7મી મે મંગળવારે મતદાન થશે. 7 મેના રોજ મતદાનના દિવસે સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાતાએ આ માટે યોગ્ય પુરાવો સાથે રાખવાનો રહેશે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 19 મહિલા સાથે કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. 2024ની આ ચૂંટણીમાં કુલ 49768677 મતદારોને મતાધિકાર મળેલો છે, જેઓ 50788 મતદાન મથકો પરથી મતદાન કરશે. ગુજરાતમાં 20 જનરલ, બે એસ.સી, ચાર એસ.ટી સાથે કુલ 26 બેઠકો છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે નડિયાદ ખાતે છેલ્લી ચૂંટણીસભા તેમજ રોડ શો કર્યો હતો. જ્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે નવસારી લોકસભા બેઠક અંતર્ગત આવતા સુરત શહેરના વિસ્તારોમાં રોડ શો યોજ્યો હતો.

Most Popular

To Top