Charotar

ખેડા ભાજપના ઉમેદવારે ફોટા સાથે ચવાણું વહેચ્યું?

ખેડા ભાજપ વધુ ભીંસમાં મુકાઈ, મતદાનના આગલા દિવસે ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથેના ચવાણાના પેકેટના ફોટા વાયરલ થયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.6
ખેડા લોકસભાના ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા પોસ્ટર ચવાણાના પેકેટ પર માર્યો હોય, તે મુજબનો એક ચવાણાના પેકેટનો ફોટો વાયરલ થયો છે. એકતરફ જ્યાં મતદાનના આગલા 48 કલાકમાં દારૂ-ચવાણાની લાલચો મતદારને અપાતી હોય છે, તેવા સંજોગોમાં ભાજપ ઉમેદવારનું આ પ્રકારનો ફોટો વાયરલ થતા અનેક તર્ક-વિતર્ક લાગી રહ્યા છે.
ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના ફોટા, અનુક્રમ નંબર સહિત તેમના પ્રચારનું આખુ પોસ્ટર ચવાણાના પેકેટ પર લગાવાયેલો હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એકતરફ ક્ષત્રિય આંદોલને દેવુસિંહ ચૌહાણની મુશ્કેલી વધારી છે, ત્યારે આ પ્રકારે ફરી તેમનો ફોટો વાયરલ થતા મુશ્કેલીમાં વધારો થયો છે. એટલુ જ નહીં, મતદાનના આગલા 48 કલાકમાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો દ્વારા દારૂ અને ચવાણાની લ્હાણી કરાતી હોવાની રૂઢી પ્રચલિત છે. ત્યારે આવા સમયમાં આ પ્રકારે ઉમેદવારના ફોટા સાથેના ચવાણાના પેકેટનો ફોટો વાયરલ થયો છે. જેથી અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. તેમજ આ અંગે ચૂંટણી પંચ કોઈ સંજ્ઞાન લે છે કે પછી માત્ર સોશિયલ મીડિયા પૂરતુ જ વાયરલ થશે, તે પણ લોકો માટે રસપ્રદ વિષય છે. આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ લોકલાગણી વ્યાપી રહી છે.

Most Popular

To Top