Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં 68.12 ટકા મતદાન, સૌથી વધુ 74.46 ટકા કપરાડામાં નોંધાયું, ભરૂચમાં નીચું મતદાન

વલસાડ: (Valsad) લોકશાહીના સૌથી મોટા મહાપર્વ લોકસભાની મંગળવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં (Election) હિટવેવની અસરને પગલે સવારથી જ મહત્તમ વિસ્તારોમાં મતદારોએ લાંબી કતારો લગાવી દીધી હતી. સવારના શરૂઆતના 7 થી 9 માં બે કલાકમાં વલસાડ બેઠક પર 10.81 ટકા મતદાન થયું હતું. હવામાન વિભાગ દ્વારા અપાયેલી હિટવેવની આગાહીને લઈ તાપમાન ઓછુ રહ્યું હતું, બીજી તરફ રાજકીય વિશ્લેષકો કે રાજકીય પક્ષો દ્વારા ભારે ગરમીને લઈ મતદાન ઓછું થવાની શક્યતા દર્શાવાઈ હતી. છતાં મતદારોએ વહેલી સવારથી જ લાંબી લાઈનો લગાવી લોકશાહીના મહાપર્વને શાનદાર બનાવી દીધો હતો. મોડી સાંજ સુધી જિલ્લાના કોઈપણ બુથ ઉપર કોઈપણ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હતો. સવારે કેટલાક બુથ ઉપર મોક ટેસ્ટ દરમિયાન ઇવીએમ ખોટકાવાના બનાવ બન્યા હતા, જોકે તેને ત્વરિત સુધારી લેવાયા હતા. મતદાન પર કોઈ અસર થઈ ન હતી.

વલસાડમાં 7 કિન્નરોએ પણ મતદાન કર્યું
વલસાડ : વલસાડમાં આ વર્ષે કિન્નરોનું પણ મતદાન જોવા મળ્યું હતુ. જેમાં વલસાડ તાલુકામાં નોંધાયેલા 3 કિન્નર મતદારએ મતદાન કર્યું હતુ. જેને લઇ વલસાડ તાલુકામાં 100 ટકા મતદાન નોંધાયું હતુ. આ સિવાય પારડીમાં 1 અને ઉમરગામમાં પણ 3 કિન્નરોએ મતદાન કર્યું હતુ. એકંદરે વલસાડ જિલ્લામાં 7 કિન્નરએ મતદાન કરી પોતાનો અધિકારનો લાભ લીધો હતો.

વલસાડ કલેક્ટરનું પરિવાર સાથે મતદાન
વલસાડ : વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આયુષ ઓકે સહપરિવાર વલસાડની સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા ખાતે ગ્રીન મતદાન મથકમાં મતદાન કર્યું હતું. કલેક્ટરે સામાન્ય નાગરિકો સાથે લાઈનમાં ઊભા રહી, આઈડી કાર્ડ ચેક કરાવી પોતાની મતદાનની ફરજ અદા કરી હતી. તેમણે અપીલ કરતા કહ્યું હતું કે, વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને વધુ શક્તિશાળી બનાવો, નોકરિયાતો સમય કાઢી મતદાન કરો, ગરમી હોવા છતાં આપણી નૈતિક ફરજ સમજી લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લઈ વધુમાં વધુ મતદાન કરો.

“વોટ તો આપવો જ પડે, નઈ ચાલે” વલસાડના ૮૭ વર્ષના મંજૂલાબેન
વલસાડ : વલસાડ જિલ્લામાં યુવાઓની સાથે વૃદ્ધો પણ મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. વલસાડના ૮૭ વર્ષીય મંજૂલાબેન ઠાકોરભાઈ ભટ્ટ ઉત્સાહભેર મતદાન માટે સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતા. શારીરીક રીતે અશક્ત હોવાથી મતદાન મથક ખાતે તેમને વ્હીલચેરમાં બેસાડી મતદાન બૂથ સુધી લઈ જવાયા હતા. ત્યાં તેમણે મતદાન કરી પોતાની ફરજ પૂર્ણ કરી હતી. તેમણે અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે અને “વોટ તો આપવો જ પડે, નઈ ચાલે” એમ કહી લોકોને મતદાન કરવા અપીલ પણ કરી હતી. સાથે ૮૫ વર્ષીય લક્ષ્મીદાસ ભાણજી ભાનુશાલી, તેમના પત્ની લક્ષ્મીબેને મતદાન કર્યું હતું.

જિલ્લામાં દરેક વિધાનસભામાં એક એક ઈકોફ્રેન્ડલી મતદાન મથક
વલસાડ : વલસાડ જિલ્લા ચૂંટણી તંત્રએ જિલ્લાના દરેક વિધાનસભા મત વિસ્તારમાં એક એક ઈકોફ્રેન્ડલી મતદાન મથકો બનાવાયા હતાં. આ મથકોને વાંસ, પાંદડા, ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવાયા હતા. આ મથકો ખાતે માત્ર વાંસની બનાવટવાળી વસ્તુઓથી વોટર સેલ્ફી ઝોન અને મતદાર સહાયતા કેન્દ્રો બનાવાયા હતા. આ આદર્શ મતદાન મથકોમાં ટેબલ, ખુરશી, મતકુટિ અને સાઈન બોર્ડ પણ માત્ર વાંસથી બનાવાયા હતા. ઈકો ફ્રેન્ડલી (ગ્રીન બુથ) મતદાન મથક કે જ્યાં પ્લાસ્ટીકનો જરાય પણ ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તેવા જિલ્લામાં કુલ પાંચ મતદાન મથકો બનાવાયા હતા.

પિંક પોલિંગ બૂથ દ્વારા સ્ત્રીશક્તિ દર્શાવાઈ
વલસાડ : વલસાડ જિલ્લાના કુલ ૨૦૦૬ મતદાન મથકોમાંથી ૪૯ પિંક મતદાન મથકો બનાવાયા હતા. આ મતદાન મથકો ખાતે દરેક મહિલા અધિકારીઓએ પિંક (ગુલાબી) રંગના વસ્ત્રો પહેરી ફરજ નિભાવી હતી. જ્યારે દરેક પિંક મતદાન મથકોને ગુલાબી ફુગ્ગાઓ, ગુલાબી મંડપ અને સેલ્ફી સ્ટેન્ડથી શણગારવામાં આવ્યા હતા. પિંક મતદાન મથકની સમગ્ર કામગીરી ફક્ત મહિલા અધિકારીઓ દ્વારા જ કરવામાં આવી હતી. આ પિંક મતદાન મથકમાં પ્રિસાઈડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને બીજા પોલિંગ ઓફિસર ફક્ત મહિલા અધિકારીઓએ જ ફરજ બજાવી હતી.

પૂર્વ મંત્રી સામાન્ય મતદારો સાથે લાઈનમાં ઊભા રહ્યા
વલસાડ : રાજ્યના પૂર્વ પાણી-પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ સહપરિવાર કાકડકોપર સ્થિત મતદાન મથકે પહોંચી સામાન્ય મતદારોની જેમ લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું હતું. સાથે તેમણે લોકોને લોકશાહીના મહાપર્વ નિમિત્તે મતદાન કરવા આહવાન કર્યું હતું.

પહેલા મતદાન પછી લગ્નની પીઠી
કપરાડા તાલુકાના સીલ્ધા ગામના ખેરાચી માળી ફળિયાના ધૂમ પરિવારના ભાઈ-બહેન અરુણ લાહનુ ધૂમ અને અનુ લાહનુ ધૂમના લગ્ન હોવાથી મતદાનના દિવસે પીઠી લગાવવાની હતી. જેના પગલે ભાઈ-બહેન સહિત સમગ્ર ધૂમ પરિવાર અને ફળિયાના લોકો સાથે મળી 100થી વધુ લોકોએ વહેલી સવારે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું.

ભરૂચ વિધાનસભામાં સૌથી નીચું મતદાન, ડેડિયાપાડા વિધાનસભામાં સૌથી ઊંચું મતદાન
ભરૂચ: ભરૂચ લોકસભાની ચૂંટણીમાં મતદારો આકરી ગરમીને પણ ઓવરટેક કરી જતાં ૭૦ ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ભરૂચ લોકસભા ચૂંટણીમાં આદિવાસી પટ્ટામાં સૌથી વધારે મતદાન થયું છે. ભરૂચ લોકસભાની બેઠક આ વખતે ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ચૈતર વસાવા અને ભાજપના ૭મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાને લઈ આખા ગુજરાતમાં ધ્યાન કેન્દ્રીત બની ગઈ હતી.

મંગળવારે આગ ઝરતી ગરમી વચ્ચે પણ સવારથી જ મતદારો લોકશાહીનું પર્વ ઉજવવા મતદાનમથકોએ ઊમટ્યા હતા. સવારના મતદાનના સમયગાળામાં ક્યાંક એકલદોકલ મતદારો તો ક્યાંક કતારો જોવા મળી હતી. ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા બેઠક પર હરહંમેશની જેમ અન્ય બેઠકો કરતાં નીચું મતદાન નોંધાયું હતું. જ્યારે દર વખતના વિક્રમજનક મતદાન મુજબ જ આ લોકસભાની ચૂંટણીમાં પણ આપના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડિયાપાડા વિધાનસભામાં ઊંચું મતદાન રહ્યું હતું. આદિવાસી વિધાનસભા બેઠક ઝઘડિયા અને ત્યારબાદ કરજણ, વાગરા વિધાનસભામાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આદિવાસી વિધાનસભામાં ઊંચા મતદાનને લઈ મતદારોનો ઝોક ભાજપના મનસુખ વસાવા કે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા તરફે રહ્યો તે તો તા.૪ જૂને જ મતગણતરી બાદ ખબર પડશે.

બીજી તરફ લઘુમતી મતદારોએ પણ પહેલી વખત પંજાની ગેરહાજરી વચ્ચે કરેલા મતદાનને લઈ રાજકીય વિશ્લેષકો અને પક્ષો મતદાન કોના તરફે રહ્યું તેની હવે ગણતરી કાઢવામાં જોતરાઈ જશે. ભરૂચ બેઠકની તમામ ૭ વિધાનસભામાં સમાયેલા ૧૮૯૩ મતદાનમથકે ૮૩૦૦ સ્ટાફ અને ૪૦૦૦થી વધુ પોલીસ જવાનો વચ્ચે મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું.

Most Popular

To Top