Comments

મુખ-બત્રીસી વિના સૂનું સૂનું લાગે..!

‘મુખ-બત્રીસી’ શબ્દ જ એવો મુલાયમ કે, કાનમાં અથડાય એટલે ગલગલિયાં થવા માંડે. કાનમાં કોઈ હળવેકથી મોરનું પીંછું ફેરવી ગયું હોય એવું લાગે. વાસ્તવમાં એ કોઈ મુખવાસ પણ નથી ને પકવાન પણ નથી. મુખ બત્રીસી  એટલે denture (ડેન્ચર)…! કાળો કોટ ને માથે હેટ પહેરીને હાથમાં પકડીને ઊભા રહો તો, જાદુગર જેવા લાગીએ..!  દેખાવે ભલે એકલું જ હસતું હોય એવી મુખ-મુદ્રા જેવું લાગે, પણ એને જોઇને હસવું આપણને આવી જાય. ઘૂંટણીએ ગબડતું છોકરુંને એ રમકડું લાગે.

બાકી કુદરતી દાંતની ડીઝાઈન તો એવી અદ્ભુત કે, દુનિયાભરના એક્ષ્પર્ટ આર્કિટેક્ચરો અને બિલ્ડરોને બે-ચાર વેકેશનમાં બેસાડીને  ભગવાને, દાંતનું બાંધકામ કરાવ્યું હોય એવું લાગે..! ભગવાને દાંતની મઝેદાર ગોઠવણી કરીને પોતાના અસ્તિત્વનો પુરાવો આપ્યો છે. જીવતર સાથે બચપણથી સચવાયેલા એ દાંતો જ્યારે ગૃહત્યાગ  કે મુંહત્યાગ કરે ત્યારે , વાઈફે છૂટાછેડા આપ્યા હોય એટલું  ભારે દુ:ખ થાય, પામર  બીજું કરી પણ શું શકે..? બહુ બહુ તો સમારકામ કરાવે, કે દાંતનું ચોકઠું, ફીટ કરાવીને દાંતની ડુપ્લીકેટ વસાહત બેસાડી શકે..! વગર દાંતે ઘરડા દેખાવાનું કોને ગમે યાર..?  તંઈઈઈઈઈ..?

એના કપાળમાં કાંદા ફોડું, ભગવાને શરીરની ગજ્જબની  રચના કરી છે .! યુનિવર્સલ લેવલે એક જ ડીઝાઈન..! દરેક અંગ-ઉપાંગને ઠેકાણે જ  ગોઠવેલા .! જેમ  જાહેર વહીવટમાં કોણ ખાય છે એની ખબર પડતી નથી, એમ દાંતને પણ ઢાંકીને  રાખેલા.  હસવાનો થયો તો જ દેખાય..! સારું છે કે, દાંતો મફતના ભાવે મળેલા  છે. બાકી, ચોકઠાં બેસાડવાના ભાવો સાંભળીને તમ્મર આવી જાય..!

બોખા મોંઢાએ જ બાકીની જિંદગી કાઢી નાંખવાનું મન થાય. જાહેર શૌચાલયની માફક ‘જાહેર ચોકઠાંલય’ તો ખોલાય નહિ કે, રાહત લેવાય..! જો કે, સારું છે કે, મફતમાં મળેલા દાંતો ખંખેરાઈ જાય તો, મુખ-બત્રીસી ગોઠવીને ગાડું ગબડાવી લેવાય. નહિ તો પોચું-પોચું ખાઈને તો માણસ પણ પોચકો બની જાય. સ્વભાવ એક તો એવો જીદ્દી કે, શરીર પરવારી ગયું હોય તો પણ, ઘરડું દેખાવાનું ફાવે નહિ..! 

વિધુર પુનર્લગ્ન કરીને નવી પરણેતર લાવે એમ, મૂળ દાંત જાય તો, દાંતના ચોકઠાં સાથે સંબંધ બાંધે..! આત્મા કરતાં ચહેરાથી ઓળખનારો વર્ગ  વધારે હોવાથી કરે પણ શું..? દાંત પરવારી જાય પછી, ઓળખ માટે ઓળખકાર્ડ પણ ખોટો ઠરે. મોંઢું જ ચીમળાઈ જાય..! આગ્રાનો તાજમહેલ જાણે એની મૂળ જગ્યાએથી ઊઠી ગયો હોય, એમ ચહેરો બંજર બની જાય..! ચહેરા ઉપર મંકોડા ફરી ગયા હોય, એવી કરચલી પડવા માંડે.

મહમદ રફી સાહેબના અવાજમાં  જે  લોકો ગીતો  લલકારતાં હોય, એના અવાજમાં સાયગલની effect આવવા માંડે.  મુખ-બત્રીસીની આ કમાલ છે દાદૂ..! મફતમાં મળેલા દાંતમાં તો વરણાગી નહિ થાય, પણ  ‘મુખ-બત્રીસી’ ખરીદવાની આવે ત્યારે, સારી કન્યા ફેંદવા નીકળ્યા હોય એમ, ચોકઠાંની પણ ડીઝાઈન ફેંદે..!  હવે તો દાંતના ચોકઠામાં પણ ડાયમંડ..! સુરતના જ એક ઝવેરીએ ૨૫ થી ૪૦ લાખનું ડાયમંડનું ચોકઠું બનાવ્યું ને, દેશ-વિદેશમાં તેનો ઉપાડ વધી ગયો. મફતમાં મળેલા દાંત માટે ભગવાનને બે ફૂલ નહિ ચઢાવે, પણ ડાયમંડનું ચોકઠું ચઢાવીને વટ તો પાડે દાદૂ..!

મુખ-બત્રીસીની વાત નીકળી ત્યારે મને, રાજાધિરાજ વિક્રમના સિંહાસન સાથે સંકળાયેલી, ‘સિહાંસન બત્રીસી’ યાદ આવી. ટેન્શન લેવાની જરૂર નથી, હું ૩૨ પૂતળીની વાર્તા માંડવાનો  નથી. ક્યાં સિંહાસન બત્રીસી ને ક્યાં મુખ-બત્રીસી..? બંને વચ્ચે જય વસાવડા ને જ્યોતીન્દ્ર દવે જેટલો ડીફરન્સ…! આ તો એક વાત થાય કે, ભારેખમ્મ શરીરમાં દાંતોની પણ કેટલી ઈજ્જત છે? એ જ્યારે ઉત્પાત કરે ત્યારે છૂટાછેડા લેવા સિવાય હથિયાર હેઠાં નહિ મૂકે..! માણસને પણ ટપી જાય. દાંતોની કણસ કારમી અને પીડાદાયક  હોય છે દાદૂ..!

ક્યારેક તો ચીસ પડાવી નાંખે યાર..! એમાં જેનો દાંત અડધી રાતે તોફાને ચઢ્યો હોય, એના જેવો તો આ જગતમાં કોઈ દુ:ખી જ નહિ..! એક વાર ઉપાડો લે એટલે, ભલા ભૂપનો મલાજો પણ નહિ રાખે. પદ-પ્રતિષ્ઠા-સત્તા કે પૈસાના જોરે બીજું બધું ઠારી શકો, પણ દુખતા દાંતને દબાવી નહિ શકો..! દાંતનો ડોકટર ભાડે કરવો જ પડે. પછી ભલે ને રમેશ ચાંપાનેરીનો હાસ્ય લેખ કેમ ના વાંચતા હોય, રડું જ આવે..! જગતનું કોઇ પણ દુ:ખ, દાંતના દુખાવા આગળ સુરસુરિયું લાગે. પૂરા બ્રહ્માંડમાં દાંતનાં દર્દી જેવો બીજો કોઈ દુ:ખી ના હોય.  વિધુર કે વિધવાને થતી વેદનાથી એ પીડા ઓછી હોતી નથી. ટ્રેન ઉપડી ગયા પછી સ્ટેશન ખાલી થઇ જાય એમ, તમામ દાંત ચાલતી પકડે પછી, હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવું મોઢું થઇ જાય.

વગર દાંતે બાકીની ઉંમર કાઢવી, વિધુર જેટલી અઘરી છે દાદૂ..! ચટાકેદાર ૫૬ ભોગ આંખ સામે પડ્યા હોય, ને દાંતો ભૂખ હડતાળ ઉપર ઊતરે ત્યારે, ખાવાના અકબરદિલી ઇસમની હાલત કફોડી બની જાય. જીવનના નવેનવ રસ એકરસ બનીને કરુણ રસમાં ફેરવાઈ જાય..! વળી દાંતનું કામ સમારંભના મુખ્ય મહેમાન જેવું..!  આવે મોડા, પણ ચાલી જાય વહેલા..!  જનમતી વખતે ભગવાન આખેઆખું શરીર આપે, પણ દાંતની એસેસરી મોડી આપે. પ્રોબેશન પીરીયડ પૂરો થાય ને ખાતરી થાય કે, ‘ખાવા’ ના મામલે બંદો કોઈ ઘાલમેલ કરવાનો નથી, ત્યારે જ પાંચ-છ મહિના પછી દાંત સપ્લાય કરવા માંડે.

ભગવાન દરેક વાતે કાળજી તો રાખે હં કે..?  પણ દુનિયાની ચાલમાં ચલણ બદલાઈ જાય ને વલણ પલટાય, એમાં ભગવાન પણ શું કરે..? બાકી ભગવાનનો કારભાર એટલો ચોખ્ખો કે, લગન થયા પછી, ‘મા-બાપ’ થવામાં પાંચ-છ વરહ ખેંચી નાંખે તો પણ, ક્યારેય કોઈ ઉપર કોપાયમાન થયા નથી.  બે-ચાર દાંત ઓછા આપે કે, નીચેનું જડબું ફુલ કરી આપે ને ઉપલો માળ ખાલી  રાખ્યો હોય, એવો  દ્વેષભાવ પણ રાખતા નથી. પૂરેપૂરા ૩૨ દાંત આપે. એવું પણ નહિ કે, દાંતોની હારમાળામાં વચ્ચે Open plot રાખે…! શ્રધ્ધા રાખવાની કે, જે શરીર આપે તે દાંત આપે, ને ૩૨ દાંત આપે એ ચવાણું પણ આપવાના જ .! તંઈઈઈઈઈ…!!

શ્રી પ્રભુએ શરીરની રચના જોરદાર બનાવી છે.. આદિકાળથી ડીઝાઈનમાં કોઈ ફેર નહિ. ક્યારેય ગેરંટીભંગ કર્યો નથી. કુદરતના એક સરખા ‘ગેરંટી’ પ્લાન હેઠળ, આ ધરતી ઉપર ટપકતા આવ્યા છે બોસ..!  દીવા દિવેટ ધૂપ યજ્ઞ કર્યા હોય કે ના કર્યા હોય, પણ દેશ વિદેશમાં દરેકને એકસરખી એસેસરી..! માત્ર બહારના એલીવેશન અને કલરકામમાં જ ફેર..! ઓછી વધતી બુદ્ધિ આપી હોય, એવું બને, પણ એ તો ચાલે, નાનાં મોટાં કામ મળી જાય..! બાકી મોંઢાના મહોલ્લાની વાત કરીએ તો, આંખ-કાન-નાક-હોઠ-ગાલ-દાઢી-જીભ કપાળ-દાંત જેવી બધી એસેસરી એકસરખી..! ચાઇનીશને આંખ ચીંણી ને નાક દબાયેલું આપ્યું હોય, ને સાઉથમાં બ્લેક બ્યુટી આપી હોય, પણ દાંતની ડીઝાઈનમાં કોઈ ફરક નહિ. ગરીબ હોય કે, ઊંચા ઘરાનાનો હોય, સૌના માટે સરખી ગેરંટી..!

સવાલ દાંત સાચવવાનો છે. દાંતને સાચવવા કે ઉડાવી મૂકવા એ ધારકે જોવાનું. મફતનો માલ માનીને સાફસફાઈ નહિ રાખીએ તો, માણસ કરતાં દાંત વહેલા પણ ઉપડી જાય. પછી તો ઉંમરની બલિહારી છે મામૂ..! દેશનો કોઈ મોટો રાજનેતા વિદેશ જવાનો થાય,  ત્યારે  તે પહેલાં તેનો  સિક્યોરીટી સ્ટાફ જાય, મેનેજમેન્ટ સ્ટાફ જાય, સલાહકારો જાય, કપડાં લત્તા જાય, પત્રકારો જાય, ડોકટરો અને દવા જાય પછી જ મોટા રાજનેતાની ફ્લાઈટ ‘ટેઈક-ઓફ’ થાય. એમ આપણું પણ એવું જ છે..!  આપણી ફ્લાઈટ ધરતી ઉપરથી ઉપડે તે પહેલાં, માથાના વાળ જાય, , આંખનું તેજ જાય, કાનની શ્રવણશક્તિ જાય, મોઢાની બત્રીસી જાય, યાદશક્તિ જાય ને ધ્રુજારી છૂટવા માંડે પછી જ આપણી ફ્લાઈટ ટેઈક ઓફ થાય..! ધત્ત્ત્તત્ત્ત્તેરીકી..!!

લાસ્ટ ધ બોલ
મારા એક કાર્યક્રમમાં એક ભાઈ મુદ્દલે હસે નહિ. નીચે ઉતરીને મેં કહ્યું, ‘
આટલું જ કહ્યું, એમાં તો મોઢામાંથી દાંતનું ચોકઠું કાઢીને મારા હાથમાં મૂકી દીધું. મને કહે, “લે આ કાઢ્યા, હવે તો ખુશ ને..?”
તારા કપાળમાં કાંદા ફોડું..!.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top