SURAT

નિલેશ કુંભાણી પ્રકરણમાં સુરતના કલેક્ટર અને ટેકેદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અરજી

સુરત: સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નાટ્યાત્મક રીતે ઉમેદવારી પત્રક રદ થવાના પ્રકરણમાં ચૂંટણીના એક દિવસ પહેલાં કોંગ્રેસે સુરતના ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. સૌરભ પારઘી તેમજ કુંભાણીના ત્રણ ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને અરજી આપી છે. આ તમામ વિરુદ્ધ આઈપીસીની કલમ 463, 464, 465, 467, 468, 469 તથા 471, 171 (જી) હેઠળ ફરિયાદ નોંધાવા પોલીસ કમિશનરને અરજી કરાઈ છે.

આવતીકાલે તા. 7 મે ને મંગળવાર રોજ ગુજરાતની 25 લોકસભા બેઠક તેમજ વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણીના એક દિવસ પહેલાં સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થવાના પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવા પોલીસ કમિશનરને અરજી આપવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે.

કોંગ્રેસ તરફથી વકીલ સમીર શેખે કહ્યું હતું કે, નિલેશ કુંભાણીના પ્રકરણમાં જે ઘટનાક્રમ બન્યો છે તે કશુંક ખોટું થયું હોવાની શંકા ઉપજાવે છે. ટેકેદારોની સહી ખોટી છે એવું અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે. ઉમેદવારી ફોર્મ સ્વીકારતી વખતે અન્ય ઉમેદવાર દ્વારા ઉમદેવારી પત્રકમાં કોઈ ભૂલ ન હોવાની વાત કરાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા કલેક્ટરે જે નિર્ણય કર્યો છે તેની સાથે અમે સહમત નથી. તેથી ફોર્મ રદ થવાની પ્રક્રિયામાં કલેક્ટર સહિત જે કોઈ જવાબદાર હોય તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પોલીસ કમિશનરને અરજી કરાઈ છે.

આ મામલે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. અમે આ મામલા પર ધ્યાન આપી રહ્યાં છે. કોંગ્રેસની અરજીને ધ્યાને લેશું. નિયમ પ્રમાણે જે કંઈ કરવાનું થતું હશે તે ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ કરીશું.

મતદાન અગાઉ કુંભાણીને ધમકી
દરમિયાન ફોર્મ રદ્દ થયું ત્યાર બાદથી નાટ્યાત્મક રીતે ગાયબ થયેલા નિલેશ કુંભાણી આવતીકાલે તા. 7 મેના રોજ મતદાન કરવા બારડોલી લોકસભા બેઠક પર આવે તેવી ચર્ચા ઉઠી છે. તેઓ બારડોલી લોકસભા મત વિસ્તાર ના મતદાર છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા કલ્પેશ બારોટે ચીમકી ઉચ્ચારી છે કે આવતીકાલે જો નિલેશ કુંભાણી વોટિંગ કરવા જશે તો પ્રજા તેને સારું એવું વળતર આપશે. લોકો પાસેથી મતદાનનો હક્ક છીનવી લેનારાને કોઈ હક્ક નથી કે તે મત આપે.

ચૂંટણીની તૈયારીને આખરી ઓપ અપાયો, બંદોબસ્ત ગોઠવાયો
નવસારી અને બારડોલી બેઠક માતે આવતીકાલે મતદાન થવાનું છે. તમામ મતદાન મથકો પર સાહિત્ય પહોંચાડી દેવાયું છે. ઈવીએમ, વીવીપેટ સહિતનું સાહિત્ય રવાના કરાયું છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પેરામિલિટરી અને એસઆરપીની મદદ લેવાઈ છે.

નવસારી લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 4 વિધાનસભા બેઠકોના 535 મતદાન મથકો માટે પોલીસ કમિશનર, સ્પેશ્યિલ કમિશનર, 3 જોઈન્ટ પોલીસ કમિશનર, 11 ડીસીપી, 27 એસીપી, 100 પીઆઈ, 260 પીએસઆઈ, 1600 સ્ટાફ, સીએપીએફની 3 કંપની, 270નો પોલીસ ફોર્સ, 27 જવાનોની એક એસરઆરપી પ્લાટુન અને 1966 હોમગાર્ડ સહિત કુલ 4266 પોલીસ કર્મીને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે.

બારડોલી લોકસભાની 5 વિધાન સભા બેઠકોના 1585 મતદાન મથકો માટે 5 ડીવાયએસપી, 12 પીઆઈ, 20 પીએસઆઈ સહિત કુલ 2200 પોલીસ કર્મી મતદાનના દિવસે ખડેપગે ફરજ બજાવશે.

Most Popular

To Top