SURAT

નવસારી અને બારડોલી લોકસભા સીટો માટે સુરતમાં થશે મતદાન, સવારે 7થી સાંજે 6 કલાક સુધી ચાલશે વોટિંગ

સુરત: (Surat) બિનહરીફ જાહેર થયેલી સુરત લોકસભા બેઠકને બાદ કરતા ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આવતીકાલ મંગળવારે યોજાનારા ચૂંટણી મતદાનની (Voting) પૂર્વ સંધ્યાએ મતદાન માટે જરૂરી ઇવીએમ, બેલેટ યુનિટ, વીવીપેટ અને અન્ય સામગ્રી સમેત પોલીંગ અને પોલીસ સ્ટાફ મતદાન મથકો સુધી રવાના થઇ ચૂક્યો છે. સુરતમાં સમાવિષ્ટ નવસારી લોકસભા સીટ અને બારડોલી લોકસભા સીટના વિસ્તારોમાં ચૂંટણી કરાવવાની જવાબદારી જેમના શિરે છે એ સુરત જિલ્લા કલેક્ટર અને સુરતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ આજે મોડી સાંજે તમામ પૂર્વ તૈયારીઓનો આખરી ઓપ આપ્યો હતો.

પત્રકારોને સંબોધતા ડો.સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે સુરત શહેર જિલ્લામાં સમાવિષ્ટ બારડોલી અને નવસારી બેઠકના વિસ્તારોના મતદારો આવતીકાલે સવારે 7થી સાંજે 6 કલાક સુધી મતદાન કરી શકાશે. સુરત જિલ્લામાં નવસારીના કુલ 14.39 લાખ મતદારો અને બારડોલી બેઠકના કુલ 15.40 લાખ મતદારો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે તમામ પ્રકારની તૈયારીઓનો આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.

પહેલીવાર તંત્રએ હીટવેવથી બચવા માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. ડો.સૌરભ પારઘીએ જણાવ્યું કે હીટવેવથી બચવા માટે ટોપી, છત્રી કે ચશ્માનો ઉપયોગ કરવો. સફેદ સુતરાઉ કપડા પહેરવા, ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, લાંબા સમય સુધી તડકામાં રહેવું નહીં. અવારનવાર ભીના કપડાથી શરીર લૂંછવું. જરૂર જણાય તો ઇમરજન્સી નંબર 108નો સંપર્ક કરવો.

કલેક્ટરે આજે પત્રકાર પરીષદમાં એવી જાહેરાત કરી હતી કે આવતીકાલે મંગળવાર તા.7મીએ સુરત શહેર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, શાળા, કોલેજો વગેરેમાં જાહેર રજા ઘોષિત કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરે એ વાતની સ્પષ્ટતા કરી હતી કે જ્યાં ચૂંટણી યોજાવાની નથી એવા સુરત લોકસભા બેઠકના વિસ્તારમાં પણ જાહેર રજા રહેશે. આમ છતાં કોઇ જગ્યાએ રજા અંગે કોઇ પ્રશ્ન કે સમસ્યા સર્જાય તો તેમણે જિલ્લા ચૂંટણી કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

મતદાનની સામગ્રી અને સ્ટાફ મતદાન મથકો સુધી પહોંચી ગયા
સુરત કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે સુરત શહેર જિલ્લાના વિસ્તારમાં સમાવિષ્ટ નવસારી સંસદીય મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ-લિંબાયત, ઉધના, મજુરા, ચોર્યાસી, અને બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ વિધાનસભાની બેઠકોના મતદાન માટે ૯ રિસિવીંગ-ડિસ્પેચીંગ સેન્ટરો ખાતેથી ચૂંટણી ફરજ પરના પ્રિસાઈડીંગ ઓફિસરો, પોલીંગ ઓફિસરો મતદાન માટેની ઈ.વી.એમ. વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન-સામગ્રી લઈને પોતપોતાના ફરજના મતદાન મથકે જવા રવાના થયા હતા.

મતદારો મોબાઇલ લઇને મતદાન મથકમાં જઇ શકશે નહીં
સુરત જિલ્લા કલેક્ટરે આજે પત્રકાર પરીષદમાં એક નિયમ દોહરાવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે મતદારોને મોબાઇલ ફોન લઇને મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં. મતદાન કરવા માટે જનારા મતદારોએ પોતાનો મોબાઇલ ફોન મતદાન મથકની બહાર મૂકીને જવો પડશે. મતદાન મથકના સિક્યુરિટી સ્ટાફ મતદારોને મતદાન મથકમાં મોબાઇલ ફોન લઇને પ્રવેશતા રોકી શકશે. ઘણાં મતદારો મતદાન કર્યું તેના મતદાન બૂથની અંદર લેવાયેલા સેલ્ફી કે ફોટોગ્રાફ સોશ્યલ મિડીયામાં પોસ્ટ કરતા હોય છે. એવા કિસ્સામાં શું કરાશે એ સંદર્ભના સવાલના જવાબમાં ડો.સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે આવો કોઇ કિસ્સો પકડાશે તો તેની સામે ચૂંટણી પંચના નીતિ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top