National

ઉત્તરાખંડના જંગલોની આગમાં 5ના મોત, આદિ કૈલાશ હેલિકોપ્ટર દર્શન સેવા સ્થગિત

નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) વિવિધ વિસ્તારોમાં જંગલોમાં (Forest) લાગેલી આગ (Fire) હજુ સુધી ઓલવાઈ નથી. તેમજ રવિવારે આ આગએ વધુ એકનો જીવ લીધો હતો, જેના કારણે ઉત્તરાખંડની આગમાં મૃત્યુઆંક 5 થયો હતો. આ સાથે જ જંગલમાં લાગેલી આગને કારણે આદિ કૈલાશ હેલિકોપ્ટર દર્શન સેવા બીજા દિવસે પણ સ્થગિત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આગના ધુમાડાને કારણે પિથોરાગઢના નૈની-સૈની એરપોર્ટ પર ફ્લાઇટ્સનું આગમન બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ હવે રાજ્યના મુખ્ય મંત્રી પુષ્કર સિંહ ધામીએ રવિવારે મુખ્ય સચિવ રાધા રતુરીને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને એક અઠવાડિયા સુધી દરરોજ આગ પર દેખરેખ રાખવા માટે આદેશ આપ્યો હતો.

અત્યાર સુધીમાં 5ના મોત
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. અગાવ પૌરી તહસીલના થાપલી ગામમાં જંગલની આગને ખેતરમાં આવતી જોઈને મહિલા ઝડપથી ઘાસનું બંડલ લેવા ગઈ હતી. જોકે, આ દરમિયાન તે આગની ઝપેટમાં આવી ગઈ હતી. ત્યાર બાદ મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેમજ અગાઉ પણ ત્રણ મજૂરો આગને કારણે મૃત્યુ પામ્યા હતા.

અત્યાર સુધીમાં કેટલું નુકસાન?
ઉત્તરાખંડના જંગલોમાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની 24 ઘટનાઓ સામે આવી છે, જેના કારણે 23.75 હેક્ટર જંગલ પ્રભાવિત થયું છે. ગયા વર્ષે 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં જંગલમાં આગ લાગવાની 910 ઘટનાઓ બની છે, જેના કારણે લગભગ 1145 હેક્ટર જંગલને અસર થઈ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ લોકોને અપીલ કરી હતી કે આસપાસના તમામ નાગરિકો પણ જંગલોને બચાવવા માટે તેમનો સંપૂર્ણ સહયોગ આપે.

આગ લગાડવા બદલ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે
સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે બિહારના ત્રણ લોકોની (બ્રજેશ કુમાર, સલમાન અને સુખલાલ) રાજ્યમાં જંગલમાં આગ લગાડવા માટે ધરપકડ કરવામાં આવી હતી. તેમજ પોલીસના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આગના સમાચાર વાયરલ થયા બાદ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ત્રણ યુવકો જંગલમાં આગ ફેલાવી રહ્યા હતા. આ ઉપરાંત પોલીસે ચાર વ્યક્તિઓ સામે જંગલોમાં આગ લગાડવાનો પણ ગુનો નોંધ્યો હતો.

વરસાદથી રાહતની આશા
પીટીઆઈ અનુસાર દેહરાદૂન સ્થિત હવામાન કેન્દ્રના નિર્દેશક બિક્રમ સિંહે કહ્યું છે કે કુમાઉ ક્ષેત્રમાં 7 મેથી વરસાદની સંભાવના છે, જ્યારે 8મીથી ગઢવાલ ક્ષેત્રમાં વરસાદ શરૂ થશે. તેમણે કહ્યું કે આ પછી 11 મેથી વરસાદની ગતિવિધિઓ વધુ વધવાની સંભાવના છે અને આ વરસાદ આગ ઓલવવામાં મદદરૂપ થશે તેવી સંભાવના છે.

Most Popular

To Top