Gujarat

અમદાવાદની 16 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી તંગદિલી

અમદાવાદ: (Ahmedabad) લોકસભાની ચૂંટણી (Election) માટે આવતીકાલે મતદાન યોજાનાર છે, ત્યારે મતદાનના એક દિવસ પહેલા અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાડી દેવાની અજાણ્યા ઈમેલ ઉપર ધમકી મળતા અમદાવાદ પોલીસ સતર્ક બની હતી. અમદાવાદ શહેરની 12 અને ગ્રામ્યની 4 જેટલી શાળાઓ મળી 16 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ તમામ શાળાઓમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી, જો કે કંઈપણ વાંધાજનક ચીજ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યા નથી. સમગ્ર શહેરમાં પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

શહેર ક્રાઈમ બ્રાન્ચના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરની 12 અને ગ્રામ્ય વિસ્તારની 4, એમ કુલ 16 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અજાણ્યા ઇ-મેલ મારફત ધમકી મળી હતી. ધમકીભર્યા ઈ-મેલને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસઓજી, અમદાવાદ શહેર પોલીસ સહિતની ટીમ તાત્કાલિક તમામ શાળાઓમાં ડોગ્સ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. તમામ શાળાઓમાં તપાસ પૂર્ણ કર્યા બાદ ક્યાંય પણ શંકાસ્પદ કે વિસ્ફોટક મળી આવ્યા ન હતા. તેમ છતાં સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમો ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે.

સાથે જ અમદાવાદ શહેર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, કોઈએ આ બાબતે ગભરાવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની અફવાઓ કે સોશિયલ મીડિયા પર આવતા ખોટા મેસેજથી દૂર રહેવું. ગુજરાતના તમામ નાગરિકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ગભરાવાની જરૂર નથી. આ ધમકીભર્યો ઈમલ સંપૂર્ણપણે તથ્યહીન છે.
પોલીસ દ્વારા તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. તેથી તમામ મતદારોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વિના મતદાન મથકો ઉપર મતદાન કરવા જવા અપીલ કરવામાં આવે છે.

અમદાવાદની આ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અમદાવાદની જે શાળાઓમાં ધમકી ભર્યો ઈ-મેલ મળ્યો છે. તેમાં આરબી કેન્ટલમેન્ટ એપીએસ સ્કૂલ, શાહીબાગ, કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ચાંદખેડા, ન્યુ નોબલ સ્કૂલ વ્યાસવાડી કઠવાડા નરોડા, કેન્દ્રીય વિદ્યાલય સાબરમતી, ગ્રીનલોન્સ સ્કૂલ વટવા, મહારાજા અગ્રસેન વિદ્યાલય મેમનગર, આનંદ નિકેતન સ્કૂલ સેટેલાઈટ, એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર, કોલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા, કુમકુમ વિદ્યાલય ઘોડાસર, સ્વામિનારાયણ સ્કૂલ મણિનગર, લાયન્સ કર્ણાવતી એચએન હિન્દી હાઈસ્કૂલ નવાવાડજ તેમજ અમદાવાદ ગ્રામ્યની ચાર શાળાઓનો સમાવેશ થાય છે.

ધમકીભર્યો ઈમેલ રશિયન સર્વરમાંથી કરવામાં આવ્યો હતો: સંયુક્ત પો.કમિ. સિંગલ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંગલએ જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ઈઆ-મેલ મારફતે ધમકી મળી છે. તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા કોઈપણ વાંધાજનક ચીજ વસ્તુઓ મળી આવેલી નથી. આ ઈ-મેલ રશિયન સર્વરમાંથી કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ આ ઈ-મેલ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Most Popular

To Top