SURAT

નવસારીમાં મતદારોએ ઉત્સાહ બતાવ્યો, 55.31 ટકા મતદાન નોંધાયું

નવસારી: (Navsari) મંગળવારે લોકસભાની ચૂંટણીમાં સવારથી મતદારોએ (Voters) ઉત્સાહ દેખાડ્યો હતો. જેમાં નવસારી લોકસભામાં મતદાન મથકો ઉપર યુવાઓ, મહિલાઓ, વૃધ્ધો અને દિવ્યાંગ મતદારો મતદાન મથકે પહોંચી તેમના બહુમુલ્ય મતનો ઉપયોગ કર્યો હતો. દિવ્યાંગો માટે વ્હીલચેર સુવિધા સાથે સ્વંય સેવકોએ પણ સેવા આપી હતી. અને ટ્રાન્સપોટેશન માટે ઇકો વાન અને રીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ નવસારીમાં સવારે જ બે મતદાન મથકોમાં ઇવીએમ મશીન ખોટકાતા મતદાન મોડું શરૂ થયું હતું. આ લખાય છે ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં નવસારી લોકસભા બેઠકમાં આવતા ગણદેવી વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદાન 68.06 ટકા નોંધાયું હતુ. જ્યારે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછું 48.66 ટકા મતદાન નોંધાયું હતુ.

  • સૌથી વધુ ગણદેવી વિધાનસભા બેઠક પર 68.06 ટકા, સૌથી ઓછુ ચોર્યાસી વિધાનસભા બેઠક પર 48.66 ટકા મતદાન
  • નવસારીમાં બે મતદાન મથકોમાં સવારે જ ઇવીએમ મશીન ખોટકાતા મતદાન મોડું શરૂ થયું
  • નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સહીત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મતદાન કર્યું
  • જલાલપોર વિધાનસભા બેઠક પર પુરુષો કરતા મહિલાઓનું વધુ મતદાન

લોકસભા ચૂંટણીમાં મંગળવારે સવારથી જ નવસારી લોકસભા મત વિસ્તારમાં મતદારોએ ઉત્સાહ દેખાડ્યો છે. નવસારી લોકસભા બેઠકના 1116 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી જ મતદારોએ લાઇનો લગાવી હતી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન શરૂ થતાની સાથે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ તેમના વિસ્તારના મતદાન મથક પર જઈ મતદાન કર્યુ હતુ. તેમજ નવસારી-વિજલપોર નગરપાલિકાના નગરસેવકો સાથે નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલે પણ તેમના મતદાન મથકે જઈ મતદાન કર્યુ હતુ.

આ સિવાય નવસારીના રહેવાસી અને હાલ મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ મંગુભાઇ પટેલે તેમના પરિવાર સાથે નવસારીની કોન્વેન્ટ સ્કૂલમાં જઈ મતદાન કર્યું હતું. તેમજ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ ગજેરા તેમજ નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મતદાન કર્યું હતું. નવસારી લોકસભા વિસ્તારમાં સવારે 7 થી 9 વાગ્યા સુધીના બે કલાકમાં 9.15 ટકા મતદાન નોંધાયું હતુ. જે ઓછુ હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી. જોકે ત્યારબાદ ધીમે-ધીમે મતદાનમાં વધારો થવાનું શરૂ થયું હતું.

નવસારી લોકસભા બેઠક ઉપર સવારે 7 વાગ્યેથી સાંજે 5 વાગ્યે સુધીમાં 55.31 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી ઓછું ચોર્યાસી વિધાનસભા બેઠક પર 48.66 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી વધુ ગણદેવી વિધાનસભા બેઠક પર 68.06 ટકા મતદાન નોંધાયું છે. આમ તો નવસારી લોકસભા વિસ્તારની 6 વિધાનસભા બેઠક વિસ્તારમાં સૌથી વધુ મતદાન પુરુષોએ કર્યું છે. જ્યારે મહિલાઓનું મતદાન ઓછું છે. જોકે જલાલપોર વિધાનસભા બેઠક પર પુરુષો કરતા મહિલાઓએ વધુ મતદાન કર્યું છે.

Most Popular

To Top