Gujarat

અમદાવાદમાં રેલિંગ કૂદી નાનકડી બાળકી વડાપ્રધાન પાસે દોડી ગઈ, મોદીદાદાને ભેંટીને વ્હાલ કર્યો

અમદાવાદ: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદમાં વોટ આપવા પહોંચ્યા હતા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. અહીં એક નાનકડી બાળકી સુરક્ષા ઘેરો તોડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે દોડી ગઈ હતી. મોદી પણ બાળકીને જોઈ ખુશ થયા હતા અને ભેંટીને વ્હાલ કર્યો હતો.

આજે સવારે કડક સુરક્ષા ઘેરા હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પગપાળા જ મતદાન મથક તરફ જઈ રહ્યા હતા. તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં ત્યારે ત્યાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. એક નાનકડી બાળકી વડાપ્રધાનને મળવા સુરક્ષા ઘેરો તોડી દોડી ગઈ હતી. તેને સુરક્ષા જવાનોએ અટકાવી હતી. આ દ્રશ્ય જોઈ જતા વડાપ્રધાને બાળકીને નજીક બોલાવી હતી. બાળકી દોડી જઈ પીએમને હેતથી ભેટી પડી હતી.

થોડી ક્ષણોની મુલાકાત બાદ બાળકી પરત ફરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં બાળકીએ પોતાનું નામ ચિન્કી ત્રિવેદી જણાવ્યું હતું. ચિન્કી પરિવાર સાથે સેક્ટર-5ના 61 નંબરમાં રહે છે. ચિન્કીએ કહ્યું મોદી દાદાને મળવું હતું એટલે રેલિંગ કુદીને જતી રહી. મને બ્લેક કમાન્ડોએ અટકાવી હતી. ત્યારે નરેન્દ્ર દાદાએ મને બોલાવી હતી. મને નરેન્દ્ર દાદાએ પૂછ્યું કે તારું નામ શું છે? મેં કહ્યું મારું નામ ચિન્કી છે. તેમણે પૂછ્યું કઈ સ્કૂલમાં ભણે છે? તો મેં કહ્યું હું બાલમુકુંદ વિદ્યાલયમાં ભણું છું. બસ આટલી જ વાત થઈ.

ચિન્કીના પિતા જિતેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, મારી દીકરીને વડાપ્રધાન મોદી ખૂબ ગમે છે. તે તેમને મળવા રેલિંગ કૂદીને નીચે જતી રહી ત્યારે સુરક્ષા જવાનોએ રોકી હતી, પરંતુ મોદી સાહેબે તેને પોતાની પાસે બોલાવી હતી. બેબી તેમને ભેટી પડી.

વડાપ્રધાને વધુમાં વધુ વોટિંગ કરવા લોકોને અપીલ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે અમદાવાદના રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું. મતદાન પૂર્વે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લોકોને મોટી સંખ્યામાં વોટ કરવા અપીલ કરી હતી. પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું કે હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.

Most Popular

To Top