SURAT

સુરતમાં 92 વર્ષના દાદાએ આકરી ગરમીમાં પણ ફરજ નિભાવી, ત્રણ પેઢીએ એકસાથે કર્યું મતદાન

સુરત: અકળાવનારી અસહ્ય ગરમી વચ્ચે પણ સુરતમાં મતદારોનો ઉત્સાહ ઓસર્યો નથી. ઘણી સોસાયટીના રહીશો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે એક સાથે મતદાન કેન્દ્ર પર મતદાન કરવા પહોંચ્યા છે. કેટલાંય દિવ્યાંગો પોતાની નિર્બળતાને કોરાણે મુકી વોટિંગ કર્યું છે તો એવા વૃદ્ધો પણ છે જેઓએ ભારે ગરમીમાં પણ લોકશાહી પ્રત્યેની આજે ફરજ નિભાવી છે.

સુરત શહેરના ઘોડદોડ રોડ સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કુલ ખાતે મજુરા વિધાનસભા વિસ્તારના મતદાન મથકે મત આપવા પહોંચેલા 92 વર્ષીય શાંતારામ નંદવાણીએ મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. તેમણે જણાવ્યું કે, હું દરેક ચુંટણીમાં મતદાન કરીને મારી ફરજ અદા કરૂ છું.

વધુમાં તેમણે કહ્યું કે, મને ચાલવામાં તકલીફ તથા શ્વાસની તકલીફ છે, ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અશક્ત, વૃદ્ધ, દિવ્યાંગ મતદારો માટે કરેલી ઉમદા વ્યવસ્થા ઉપકારક બની છે. અમે સરળતાથી મતદાન કર્યું અને લોકશાહીની ફરજ બજાવી એનો મને ગર્વ છે. લોકશાહીના આ અવસરમાં મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે. દેશનો પ્રત્યેક મતદાર પોતાનો કિંમતી મત આપે એ દેશહિત માટે જરૂરી છે.

બુધિયા પરિવારની ત્રણ પેઢીએ એકસાથે મતદાન કર્યું
સુરત શહેરના સેન્ટ ઝેવિયર્સ શાળાના મતદાન મથકમાં બુધિયા પરિવારની ત્રણ પેઢીના સભ્યોએ સાથે મળીને મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી. 74 વર્ષીય સાંવરપ્રસાદ બુધિયા તથા તેમના ૫૦ વર્ષીય પુત્ર વિશાલ તથા તેમની પૌત્રીઓ ખુશી અને ઝીલ બુધિયા સાથે મતદાન કર્યું છે.

પ્રથમવાર મતદાન કરનાર 20 વર્ષીય ખુશીએ જણાવ્યું કે, જયારે કોઈ પ્રસંગની રાહ જોઈએ તેમ મતદાન માટે ઘણા દિવસોથી રાહ જોતી હતી. પ્રથમવાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી છે એમ જણાવી તમામ ચૂંટણીઓમાં સૌને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો.

નાની બહેન 18વર્ષીય ઝીલે પણ પ્રથમવાર મતદાન કરીને અત્યંત આનંદની અનુભુતિ કરતા કહ્યું કે, જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પણ મતદારોને આકર્ષવા માટે સખી મતદાન મથકો, આદર્શ તથા યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેના કારણે મતદાન કરવાની પ્રેરણા મળે છે તેમજ ચૂંટણી પ્રક્રિયાના ચીલાચાલુ માહોલનો અનુભવ નથી થતો પણ લોકોનું ,મતદાન કેન્દ્ર સાથે અટેચમેન્ટ જળવાઈ રહે છે એમ જણાવી આ થીમ બેઝ મતદાન મથકો ઉભા કરવા બદલ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top