SURAT

નવસારી સહિત દક્ષિણ ગુજરાતની આ 4 બેઠકો પર 5 વાગ્યા સુધીમાં કેટલું થયું મતદાન? જાણો..

સુરત: ભારે ગરમીના લીધે ઓછું મતદાન થશે તેવી ધારણા હતી પરંતુ આશ્ચર્યજનક રીતે નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધીમાં સારું મતદાન થયું છે. ગરમીના લીધે મતદારોનો ઉત્સાહ ઓછો ન થઈ જાય તે માટે ભાજપના કાર્યકરોએ સુરતના અનેક વિસ્તારોમાં ઘરે ઘરે જઈ મતદારોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા.

જેના પગલે બારડોલી અને નવસારી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ સુરત જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાં સવારથી જ મતદારોએ લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે યુવાઓ, મહિલાઓ, વૃધ્ધજનોએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી હતી.

સાંજે 5 વાગ્યા સુધીમાં ગુજરાતની 25 બેઠકો પર સરેરાશ 55.22 ટકા મતદાન થયું હતું. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડ લોકસભા બેઠક પર 68.12 ટકા, ભરૂચ બેઠક પર 63.56 ટકા, નવસારી બેઠક પર 55.31 ટકા અને બારડોલી બેઠક પર 61.01 ટકા મતદાન થયું હતું.

  • બપોરે 3 વાગ્યા સુધીમાં નવસારી લોકસભાની બેઠક પર 48.03 ટકા અને બારડોલી લોકસભા બેઠક પર 51.97 ટકા મતદાન થયું

આ અગાઉ બારડોલી સંસદીય મતવિસ્તારમાં સવારના 7 થી બપોરના 3 વાગ્યા દરમિયાન 51.97 ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો, માંગરોળ વિધાનસભા બેઠક પર 55.06 ટકા, માંડવી બેઠક 57.24 ટકા, કામરેજ બેઠક પર 38.22 ટકા, બારડોલી બેઠક પર 52.38 ટકા, મહુવામાં 52.71 ટકા, વ્યારામાં 57.17 ટકા અને નિઝરમાં 66.54 ટકા મતદાન થયું હતું.

નવસારી સંસદીય મતવિસ્તારમાં 48.03 ટકા મતદાન થયું હતું. વિગતવાર જોઈએ તો ઉધના વિધાનસભામાં 41.09 ટકા, લિંબાયત વિધાનસભા બેઠક પર 44.15 %, મજૂરામાં 44.43 ટકા, ચોર્યાસીમાં 44.17 , જલાલપોરમાં 55.32 ટકા, નવસારીમાં 55.53 ટકા અને ગણદેવી બેઠક પર 58.06 ટકા મતદાન નોંધાયું હતું.

આજે તા. 7 મેના રોજ ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ વધારવા માટે સુરતમાં ભાજપના કાર્યકરોએ નવતર પ્રયોગ કર્યો હતો. નવસારી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સુરતના ગોડાદરા વિસ્તારના મતદારોને ઘરથી બૂથ સુધી લઈ જવા માટે ભાજપના કાર્યકરોએ થાળીઓ વગાડી હતી. કાર્યકરો થાળી વેલણ લઈ ગલી ગલી ફર્યા હતા અને મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

કિન્નર સમાજે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવી
લોકસભાની સામાન્ય ચુંટણી-2024માં સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું. નવસારી સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ 164- ઉધના વિધાનસભાના મત વિસ્તારમાં યુવાધન, વયોવૃધ્ધ નાગરિકો, દિવ્યાંગો સાથે કિન્નર સમાજના સીતાકુંવર, શાલું કુંવર અને સપના કુંવરે પણ મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બન્યા હતા.

Most Popular

To Top