Madhya Gujarat

આણંદ જિલ્લામાં 100 ટકા ડ્રોન માપણીની કામગીરી પૂર્ણ કરાઈ

આણંદ: આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં સીટી સર્વે નથી તેવા ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાના ઉમદા હેતુથી આ યોજના બનાવવામાં આવી છે. આણંદ જિલ્લામાં 252 ગામોને સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને જિલ્લામાં 100 ટકા ડ્રોન માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ પૈકી જિલ્લામાં કુલ 107 ગામો ખાતે ગ્રાઉન્ડ ટ્રુથીંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે, તે પૈકી 67 ગામોના સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલ રેકોર્ડનું પ્રમોલગેશન કરવામાં આવ્યું છે જેના 18840 પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને બાકી રહેલ ગામોમાં પણ હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. પ્રમોલગેશન થયેલ ગામોમાં હાલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન દરેક ગામ દીઠ પાંચ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવે છે. જિલ્લા નિરીક્ષક જમીન દફતર અધિકારી એકતા પટેલે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.

જે માલિકી હક્ક દર્શાવતો પુરાવો બન્યો છે. સ્વામિત્વ યોજનાથી મળેલ પ્રોપર્ટી કાર્ડથી લાભાર્થીને લોન મેળવવામાં સરળતા રહેશે. આ યોજનાથી વર્ષોના પારિવારીક પ્રશ્નોનું નિવારણ તથા હદ બાબતના પારિવારિક ઝઘડાઓનું નિરાકરણ થશે અને ગામમાં વિકાસના કામો કરવામાં સરળતા રહેશે. આણંદ જિલ્લાના જે ગામો સ્વામિત્વ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે તેવા તમામ ગામો ખાતે બાકી રહેલ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી ચાલુ છે અને જે ગામોમાં સિટી સર્વે નથી તેવા ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ આપવાથી આ પ્રોપર્ટી કાર્ડ માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ બનવાથી ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ગ્રામજનો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

Most Popular

To Top