સુરત મહાનગરપાલિકા શહેરમાં સારી અને સુવિધાસભર આરોગ્ય સેવાઓ આપવાના દાવા કરતી હોય છે, પરંતુ શહેરના કેટલાક હેલ્થ સેન્ટરોની હાલત આ દાવાઓ સામે સવાલ ઉભા કરી રહી છે. રાંદેર ઝોન હેઠળ આવેલા અડાજણ હેલ્થ સેન્ટરમાં દર્દીઓ અને મુલાકાતીઓ માટે ગંભીર જોખમ ઉભું થયું છે. અહીં પ્રવેશદ્વાર પાસેના તૂટેલા અને જર્જરિત પગથિયાંને કારણે કોઈપણ સમયે અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આ હેલ્થ સેન્ટરમાં આવે છે. અંદાજે 200 જેટલા દર્દીઓ રોજ અહીં સારવાર લેવા પહોંચે છે. દર્દીઓ સાથે તેમના પરિવારજનો અને મુલાકાતીઓ પણ આવતા હોવાથી દિવસભર હેલ્થ સેન્ટરમાં અવરજવર રહેતી હોય છે. ખાસ કરીને વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને અન્ય બીમાર લોકો માટે આ તૂટેલા પગથિયાં મોટું જોખમ બની રહ્યા છે.
હેલ્થ સેન્ટરના પ્રવેશદ્વાર પાસેના કેટલાક પગથિયાં સંપૂર્ણપણે તૂટી ગયા છે, જ્યારે કેટલાક ભાગ ઉખડી ગયા છે. જેના કારણે લોકો ચઢતા-ઉતરતા સમયે લપસી જવાની કે પગ અટવાઈ જવાની શક્યતા વધી ગઈ છે. સારવાર લેવા આવતા દર્દીઓને સારવાર પહેલાં જ ઈજા થવાનો ડર સતાવી રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે. સ્થાનિક લોકો અને દર્દીઓનું કહેવું છે કે લાંબા સમયથી આ પગથિયાં ખરાબ હાલતમાં છે. અનેક વખત રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા કોઈ યોગ્ય મરામત કરવામાં આવી નથી. લોકોનો આરોપ છે કે જવાબદાર વિભાગ વારંવાર રજૂઆત છતાં આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યો નથી.
આગામી દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે. વરસાદી મોસમ દરમિયાન આ તૂટેલા પગથિયાં વધુ જોખમી બની શકે છે. પાણી ભરાવા અથવા પગથિયાં ભીના થવાના કારણે લપસી જવાની શક્યતા વધી જશે. જો સમયસર મરામત નહીં કરવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોમાં એ બાબતે પણ ચિંતા છે કે હેલ્થ સેન્ટર જેવી જગ્યાએ આવી બેદરકારી લોકોના જીવ માટે ખતરો બની શકે છે. સામાજિક આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓએ પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે શહેરમાં સ્માર્ટ સિટી અને આધુનિક સુવિધાઓની વાતો કરવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકો માટેની મૂળભૂત સુવિધાઓ જ સુરક્ષિત નથી. આરોગ્ય કેન્દ્ર જેવી જગ્યાએ તૂટેલા પગથિયાં હોવું પાલિકાની કામગીરી પર સવાલ ઉભો કરે છે.
લોકોએ માંગ કરી છે કે અડાજણ હેલ્થ સેન્ટરના પગથિયાંની તાત્કાલિક મરામત કરવામાં આવે અને દર્દીઓ માટે સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે. સાથે જ હેલ્થ સેન્ટરના અન્ય જર્જરિત ભાગોની પણ તપાસ કરી જરૂરી કામગીરી હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન સર્જાય. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર પગલાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે નકારી શકાય નહીં. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર આ ગંભીર મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.