Comments

એનિમલ જેવી ફિલ્મો યુવાન પેઢીને ગુમરાહ કરવાનું કામ કરે છે

શું સમાજ બદલાયો છે? શું સમાજને હિંસા વધુ ગમે છે? હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ એનિમલનું ટ્રેઇલર જોયા બાદ આવું લાગે છે. ખૂબ જ હિંસક ફિલ્મ હોવા છતાં એનિમલ કમાણીમાં નવા રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહી છે. ચોક્કસપણે આ ખૂબ જ ચિંતાનો વિષય છે. આખરે શા માટે આવી ફિલ્મોની ઉજવણી કરવામાં આવી રહી છે? સમાજનો કયો વર્ગ આ ફિલ્મ જોવા પડાપડી કરી રહ્યો છે? સરકાર હેઠળ બેઠેલું સેન્સર બોર્ડ આવી ફિલ્મોને રિલીઝ કરવાની મંજૂરી કેવી રીતે આપે છે? શું ફિલ્મ ઉદ્યોગ નિયંત્રણ બહાર ગયો છે?

આ કેટલાક પ્રશ્નો છે જેના પર સમાજે સામુહિક રીતે ચિંતન કરવાની જરૂર છે. આવી ફિલ્મો સારાં નાગરિકો બનાવવાને બદલે સમાજમાં હિંસક પ્રાણીઓ જ પેદા કરશે. એનિમલ ફિલ્મ રીલિઝ થયા પછી જ્યારે કેટલાંક દર્શકો પાસેથી રિવ્યુ લેવામાં આવ્યો ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે પ્રાણીઓ પણ એનિમલ ફિલ્મ જોવા નહીં માગે; આ એક ખરાબ ફિલ્મ છે. જ્યારે ફિલ્મ ખરાબ છે તો કમાણી કેવી રીતે થાય છે? તે સ્પષ્ટ છે કે ભારતીય દર્શકો, ખાસ કરીને યુવા વર્ગ એક્શનથી ભરપૂર ફિલ્મો તરફ વધુ આકર્ષાય છે.

જ્યારે મોટા પડદાની નિષ્ફળતાનો યુગ શરૂ થયો, ત્યારે ફિલ્મ ઉદ્યોગ OTT પ્લેટફોર્મ તરફ આગળ વધ્યો હતો. સારા કન્ટેન્ટની સાથે બિભત્સ કન્ટેન્ટ પણ OTT પર આપવાનું શરૂ થયું હતું. સંસદમાં પણ OTTની અભદ્ર ભાષાને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ આજ સુધી તે દિશામાં કોઈ નક્કર પગલું ભરવામાં આવ્યું નથી. પદ્મભૂષણ જૈનાચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજ દ્વારા તેની વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરવામાં આવી, પણ તેમની વાત સત્તાધીશો પણ સાંભળવા તૈયાર નથી. આજે પણ OTT પર આડેધડ રીતે ખરાબ ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફી બતાડતી વેબસાઇટો બેરોકટોક ચાલી રહી છે. આ બાબતમાં હાઈ કોર્ટના ચુકાદાને પણ ઘોળીને પી જવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે સરકાર શું કરી રહી છે?

એનિમલ ફિલ્મમાં ઝોયાનું પાત્ર ડિટેક્ટીવના નામ પર કલંક છે. ઝોયા તરીકે તૃપ્તિ ડિમરી એક જાસૂસ બનીને વિજયને છેતરવા આવી છે, પરંતુ તેને કોઈની પાસેથી યોગ્ય તાલીમ આપવામાં આવી નથી. થોડી યુક્તિથી તેણે વિજયની સામે તેની યોજનાની સંપૂર્ણ વિગતો જાહેર કરી દીધી હતી. આવી ખરાબ જાસૂસ ભારતમાં કોણ છે? આ ક્રમમાં એક બીજી વાત જે પરેશાન કરે છે તે એ છે કે વિજય તેના ભાઈઓને બોધ આપતો હતો કે વ્યક્તિએ તેની પત્નીને વફાદાર રહેવું જોઈએ. જ્યારે તેના ભાઈઓ છોકરીઓને ઘરે લાવે છે, ત્યારે વિજય તેમને કહે છે કે તેઓ ખોટા છે; પણ પછી તે પોતે જ ઝોયા સાથે સંબંધ બાંધી રહ્યો છે અને ભાઈઓને પણ તેને ભાભી માનવાનું કહે છે. તેના મોહમાં તે પોતાની પત્ની અને બાળકોને ભૂલી ગયો છે. જ્યારે પત્નીને તેની અફેર વિશે ખબર પડી ત્યારે બચાવ કરવામાં આવે છે કે તે જાસૂસ હતી અને તેથી પિતાને બચાવવા માટે તેની સાથે સૂવું પડ્યું હતું.

સોશ્યલ મિડિયા પર લોકો સતત સવાલો ઉઠાવી રહ્યા છે કે રણબીરનું પાત્ર આટલું ઝેરીલું છે, આટલી હિંસા કરે છે, આટલી બધી હત્યાઓ અને રક્તપાત કરે છે, છતાં પોલીસ એક પણ વાર કેમ ચિત્રમાં નથી આવતી? વિજય આ બધું તેના પિતા માટે કરી રહ્યો છે. આ આખી ફિલ્મ વિજયના તેના પિતા પ્રત્યેના પ્રેમ અને તેના દ્વારા પેદા થયેલા ગાંડપણ પર આધારિત છે, પરંતુ વિજય એવો પુત્ર છે જેવો તેના પિતા ઇચ્છતા નથી. ભલે તે આ દુનિયામાં ગમે તે કરે, તેના પિતા કંઈ પણ સ્વીકારતા નથી. પછીનું જીવન તેને પિતા માટે પાઠ શીખવે છે, જેને બચાવવા અને સુરક્ષિત રાખવા માટે તે ઘણું બધું કરી રહ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વળગાડને પ્રેમ ન કહેવાય. જ્યારે પિતા પોતે જ પુત્ર વિજયને ગુનેગાર માને છે, ત્યારે સાવ સાદી વાત છે કે પુત્રને સારવારની જરૂર છે.

ફિલ્મનો એક સીન પણ વાયરલ થયો છે, જેમાં વિજય તેના બેડરૂમમાં તેની પત્ની ગીતાંજલિની સામે બંદૂક તાકીને ઊભો છે. પછી તે બંદૂક ચલાવે છે અને તેનાં બાળકો રડવા લાગે છે. તમે એટલા મોટા પિતાના પુત્ર છો કે તમારી પાસે ભાવિ વડા પ્રધાન સુધી પહોંચ છે પણ તમારા બંગલામાં બાળકો માટે અલગ બેડરૂમ નથી. એટલું જ નહીં, વિજયના પિતા અચાનક રૂમમાં જાય છે અને ખૂબ જ નરમાશથી તેને બેડરૂમમાં બંદૂક ન લાવવાનું કહે છે. જેમ કે તે કોઈ મોટી વાત નથી. વિજયને ખરેખર ઘણી થેરાપીની જરૂર છે. વિજયનું પાત્ર પોતે ખૂબ જ ત્રાસદાયક વ્યક્તિ છે, જેને મદદની જરૂર છે. ભલે તે સિંહ હોવાનો ડોળ કરતો હોય પણ અંદરથી સાવ પોકળ છે. આ ફિલ્મના નાયકને જ નહીં પણ તેનાં દર્શકોને પણ માનસશાસ્ત્રીની સારવારની જરૂર જણાય છે.

એનિમલ ફિલ્મમાં ઘણી વાહિયાત વસ્તુઓ છે. જેમ કે રણબીર કપૂર રશ્મિકાને કહે છે કે તારો પ્રાઈવેટ પાર્ટ મોટો છે, તું સ્વસ્થ બાળકને જન્મ આપી શકશે. આનો અર્થ શું હતો? અર્જન વેલી ગીતમાં રણબીર કપૂર એકલો માસ્ક પહેરીને હોટેલમાં ઘૂસેલા લોકો સામે લડી રહ્યો છે અને તેનો બોડીગાર્ડ ભાઈ પાછળથી ગીત ગાઈ રહ્યો છે. તેઓ બાલ્કનીમાંથી નીચે કૂદી પડે છે અને લોકો પર ગોળીઓ વરસાવે છે, જ્યારે બીજા ભાઈઓ ઉપરની બાલ્કનીમાં ઊભા રહીને ગીત ગાતા હોય છે. રણબીરને મારવા આવેલા તમામ ગુંડાઓ માસ્ક પહેરે છે પણ જે વ્યક્તિએ ખરેખર પોતાનો ચહેરો છુપાવવો જોઈતો હતો તે માસ્ક હટાવીને મારવા આવ્યો છે. આ બધું જોઈને તમે માત્ર હસશો જ નહીં, પરંતુ સાથે જ તમને આશ્ચર્ય થશે કે આ શું થઈ રહ્યું છે? તેઓ દર્શકોને બેવકૂફ સમજે છે.

એનિમલ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પુખ્ત વયના માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને તેને એક્શન ફિલ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. શું પુખ્ત વયનાં દર્શકો કોઈ પણ જાતની હિંસા કે બિભત્સતા જોઈને પોતાના મનને શાંત રાખી શકે છે? એનિમલ ફિલ્મમાં હિંસા જોઈને દર્શકો વ્યથિત થયાં છે. કોંગ્રેસના સાંસદ રંજીત રંજને સંસદમાં એનિમલ ફિલ્મને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે તો એમ પણ કહ્યું કે તેમની દીકરીએ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી અને ફિલ્મ જોઈને રડવા લાગી. જો કે, રંજીત રંજનને અન્ય સાંસદો તરફથી કોઈ ખાસ સમર્થન મળ્યું નથી, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. એ વાત જાણીતી છે કે યુવાનો ફિલ્મોનાં પાત્રોથી પ્રેરિત થાય છે. ફિલ્મનાં પાત્રો જેવું વર્તન કરતા હોય તેવું વર્તન યુવાનો પોતાની રિયલ જિંદગીમાં પણ કરવા લાગી જાય છે. જો યુવાનો એનિમલ ફિલ્મના પાત્રો જેવું વર્તન જાહેરમાં કરતાં થઈ જાય તો સમાજનું શું થશે?

જો આવી હિંસક ફિલ્મો બનાવવામાં આવે કે જેમાં મુખ્ય પાત્ર હિંસક પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો યુવાનો કઈ દિશામાં જશે? ઘણાં વર્ષો પહેલાં ખલનાયક નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. તેને જોઈને યુવાનો પોતાને વિલન જેવા દેખાડવા માટે નીકળી પડ્યા હતા. ડર અને અંજામ જેવી ફિલ્મોએ અપૂરતા પ્રેમ અને બદલાની લાગણીને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. OTT પર અપરાધના વિચારો પીરસવામાં આવી રહ્યા છે. પોલીસ સામે ગુનાના કિસ્સાઓ આવે છે, જે OTTની વાર્તાઓથી પ્રેરિત હોય છે. ફિલ્મોમાં સર્જનાત્મક પ્રયોગો થવા જોઈએ, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એનિમલ જેવા પ્રયોગો ટાળવા જોઈએ. સમાજે સામુહિક રીતે આવી ફિલ્મો સામે પોતાનો વિરોધ નોંધાવવો જોઈએ. જો એનિમલ જેવી ફિલ્મો બનતી રહેશે તો સમાજમાં પ્રાણીઓની જેમ વર્તે તેવા યુવાનો વધી જાશે.

Most Popular

To Top